વાઇલ્ડ કાર્ડથી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરનાર ફિલિપાઇન્સની 19 વર્ષીય એલેકઝાન્ડ્રા ઇયાલાએ માયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જીને વિશ્વની બીજી ક્રમાંકિત પોલેન્ડની ઇગા સ્વિયાતેકને 6-2, 7-5થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વર્લ્ડ રેન્કિંગમાં 140મા ક્રમાંકે રહેલી ઇયાલા ડબ્લ્યૂટીએ 1000 ટૂર ટૂર્નામેન્ટની અંતિમ-8માં પહોંચનાર પોતાના દેશની પ્રથમ ખેલાડી બની છે. તેણે સ્વિયાતેકના ખરાબ પ્રદર્શનનો ફાયદો ઉઠાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. ઇયાલા 13 વર્ષની વયે માલોર્કામાં રફેલ નાદાલની ટેનિસ એકેડેમીમાં સામેલ થવા માટે સ્પેન જતી રહી હતી. ફિલિપાઇન્સની ખેલાડીનો આગામી મુકાબલો અમેરિકાની જેસિકા પેગુલા સામે થશે જેણે બ્રિટનની એમ્મા રાડૂકાનુને ભારે સંઘર્ષ બાદ હરાવી હતી. વિશ્વની ચોથી ક્રમાંકિત પેગુલાએ મેચમાં 6-4, 6-7 (3-7), 6-2ના સ્કોરથી પરાજય આપ્યો હતો. વિમેન્સ સિંગલ્સની પ્રથમ સેમિફાઇનલ આર્યના સબાલેન્કો અને જાસ્મિન પાઓલિની વચ્ચે રમાશે. બીજી સેમિફાઇનલમાં ચોથી ક્રમાંકિત પેગુલા અને ઇયાલા વચ્ચે મુકાબલો થશે.
મેન્સ ડબલ્સમાં ભારતના યુકી ભાંબરી અને નૂનો બાર્ગેસના અભિયાનનો અંત આવી ગયો હતો. બ્રિટનના લોઇડ ગ્લાસપૂલ તથા જુલિયન કેશ સામેની મેચમાં ભાંબરી અને નૂનોનો 7-6 (7-1), 3-6, 10-8ના સ્કોરથી પરાજય થયો હતો.


