ત્રીજા વિશ્વ યુદ્ધના ભયને પગલે યુરોપમાં ભારે ખળભળાટ મચી ગયો છે. યુરોપિયન યુનિયન (EU) અને નાટો (NATO)એ તેમના સભ્ય દેશોને એલર્ટ રહેવા જણાવ્યું છે. યુરોપિયન યુનિયને તેના 45 કરોડ નાગરિકોને કોઈપણ કટોકટી માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે અને તેમને ઓછામાં ઓછા 73 કલાક ચાલે તેટલો ખોરાક, પાણી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક કરવા જણાવ્યું છે.
નાટોના મહાસચિવ માર્ક રુટેએ ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે રશિયા 2030 સુધીમાં યુરોપ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમની આ ચેતવણી બાદ યુરોપિયન દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા ઘણા નાટો દેશોએ તો યુદ્ધની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાના અહેવાલો છે.
વોર્સોમાં એક સંબોધન દરમિયાન નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટેએ રશિયાને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, “જો કોઈ એવું વિચારે છે કે તે પોલેન્ડ અથવા અન્ય કોઈ સાથી દેશ પર હુમલો કરીને છટકી જશે, તો તેણે નાટોની સંપૂર્ણ તાકાતનો સામનો કરવો પડશે. અમારો પ્રતિભાવ વિનાશક હશે.” તેમનું આ નિવેદન યુક્રેનના સુમી શહેર પર થયેલા રશિયન મિસાઈલ હુમલાના થોડા કલાકો બાદ આવ્યું છે, જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રુટેએ વધુમાં કહ્યું હતું કે, “વ્લાદિમીર પુતિન અને જે લોકો અમારા પર હુમલો કરવાનું વિચારી રહ્યા છે તે બધાએ આ વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ.” જો કે, EUની આ ચેતવણી સંભવિત રશિયન હુમલા સાથે સીધી રીતે જોડાયેલી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી.
EU તૈયારી અને કટોકટી વ્યવસ્થાપન કમિશનર હાદજા લહબીબે જણાવ્યું હતું કે, “યુરોપ સામેના જોખમો પહેલા કરતા વધુ જટિલ છે.” નાટોના વડા માર્ક રુટેએ પણ ચેતવણી આપતા કહ્યું હતું કે રશિયા પાસે યુરોપ પર બીજો મોટો હુમલો કરવાની ક્ષમતા છે. તેમણે કહ્યું, “આપણે એ ન ભૂલવું જોઈએ કે રશિયા અમારા જોડાણ માટે સૌથી મોટો ખતરો છે અને રહેશે.” રૂટેએ એમ પણ કહ્યું કે રશિયા હવે યુદ્ધ સમયની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, જેની સીધી અસર તેની સૈન્ય શક્તિ અને યુદ્ધ તૈયારીઓ પર પડશે.


