એપ્રિલ 2025થી યુએસ વિઝા માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં અમેરિકી સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ અને કડક ફેરફારો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જો તમે આગામી સમયમાં વિઝા માટે ઈન્ટરવ્યૂ રાખાવાની યોજના બનાવી રહ્યા છો તો આ ફેરફારોની પૂરી માહિતી રાખવી અનિવાર્ય છે.
DS-160 બારકોડ મેચ થવો આવશ્યક
હવે પછી, જે DS-160 ફોર્મ તમે શરુઆતમાં ભરીને તમારું ઇન્ટરવ્યૂ શેડ્યુલ કર્યું છે, તેનું બારકોડ જ તમારું અસલ અને માન્ય ડોક્યુમેન્ટ તરીકે માનવામાં આવશે. ઇન્ટરવ્યૂના દિવસે તમે જે DS-160 બારકોડ સાથે પહોંચો છો એ જો તમારી એપોઈન્ટમેન્ટ વખતે વાપરેલા બારકોડ સાથે મેળ ન ખાય, તો તમારી એપોઈન્ટમેન્ટ રદ કરી દેવામાં આવશે.
CEAC પોર્ટલ પર ડોક્યુમેન્ટ અપલોડ ફરજિયાત
તમારી ઇન્ટરવ્યૂથી ઓછામાં ઓછા 72 કલાક પહેલાં તમારે તમારાં તમામ આવશ્યક ડોક્યુમેન્ટ્સ CEAC પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. જો તમે આ સમયમર્યાદામાં ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં કરો તો તમારી એપોઈન્ટમેન્ટ આપમેળે રદ થઈ જશે.બંનેમાંથી કોઈ એક શરત પણ પૂરી ન કરતાં, તમારું ઇન્ટરવ્યૂ રદ થશે, તમારું ચુકવેલું ફી ($185) જતી રહેશે અને તમારે ફરીથી નવી પ્રોસેસ શરૂ કરવી પડશે.
ભૂતકાળમાં 2000 એપોઈન્ટમેન્ટ રદ
તાજેતરમાં યુએસ એમ્બેસી, ભારતમાં સ્થિત, દ્વારા લગભગ 2000 વિઝા ઇન્ટરવ્યૂ એપોઈન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. એમ્બેસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અરજદાતાઓએ અનૈતિક રીતે, અલગ પદ્ધતિથી અથવા અનધિકૃત ત્રીજા પક્ષ દ્વારા તેમની એપોઈન્ટમેન્ટ બુક કરાવી હતી,જે એમ્બેસીના નીતિભંગ સમાન છે.આ અરજદાતાઓને સ્પષ્ટ રીતે ઈમેઈલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમની એપોઈન્ટમેન્ટ ફરીથી બુક કરવી પડશે અને ફરીથી $185 ફી ચૂકવવી પડશે.
CGI પોર્ટલ ડિટેલ્સ અજાણ્યા વ્યક્તિને ના આપો
યુએસ એમ્બેસીએ ચેતવણી આપી છે કે અરજદાતાઓએ તેમની CGI પોર્ટલની વિગતો અજાણ્યા એજન્ટ કે વ્યક્તિને ના આપવી જોઈએ. આવી પ્રવૃતિ નીતિ વિરુદ્ધ છે અને ભવિષ્યમાં તમારું વિઝા *રદ અથવા નકાર* કરવામાં પણ આવી શકે છે.
વિશેષજ્ઞ પરિષ્કાર: પાર્થેશ ઠક્કર
વિઝા અને ઈમિગ્રેશન નીતિ વિશેષજ્ઞ પાર્થેશ ઠક્કર જણાવે છે કે,આ નવા નિયમો વિઝા પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા લાવવાના છે. અરજદાતાઓએ બાકીની કામગીરીમાં સંપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ,ખાસ કરીને DS-160 ફોર્મ અને CEAC પોર્ટલ ડોક્યુમેન્ટ અપલોડિંગ બાબતે. લોકોમાં હજુ પણ ગેરમાર્ગદર્શન પામવાની શક્યતા છે, તેથી કોઇ પણ તૃતીય પક્ષ અથવા એજન્ટને તમારું CGI portal લોગિન કે પાસવર્ડ આપવો એ ખોટું અને જોખમી છે.વિઝા માટે તૈયાર થતાં દરેક વ્યક્તિએ નવા નિયમોની પૂરી જાણકારી લેવી અને સંપૂર્ણ રીતે પોતાના આધાર પર પ્રક્રિયા કરવી ખૂબ જરૂરી છે. લાપરવાહી કે બેદરકારી તમે સપનામાં પણ ન વિચારતા નુકસાન તરફ લઇ જઈ શકે છે.


