થાઈલેન્ડ અને મ્યાનમારમાં વિનાશક ભૂકંપની દહેશત હજી પુરી નથી થઈ ત્યાં તો દક્ષિણ-પશ્ચિમ પેસિફિક મહાસાગર ક્ષેત્રમાં આવેલા ટોંગા ટાપુઓ પર રવિવારે સાંજે 5-48 વાગ્યે 7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આ માહિતી આપી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, આ શક્તિશાળી ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.
ટોંગા એક પોલિનેશિયન રાષ્ટ્ર છે, જેમાં 171 ટાપુઓ આવેલા છે અને તેની કુલ વસ્તી 1,00,000 થી વધુ છે. આમાંથી મોટાભાગના લોકો મુખ્ય ટાપુ ટોંગાટાપુ પર રહે છે. આ ટાપુ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાથી 3500 કિલોમીટર પૂર્વમાં આવેલો છે અને તે લગૂન અને ચૂનાના ખડકોથી ઘેરાયેલો છે.
યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ટોંગાના મુખ્ય ટાપુના લગભગ 100 કિલોમીટર (62 માઇલ) ઉત્તરપૂર્વમાં હતું. પેસિફિક સુનામી સેન્ટરે ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર (185 માઇલ)ની અંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખતરનાક મોજા આવી શકે છે. આ વિસ્તારની વસ્તી લગભગ એક લાખ જેટલી છે. જો કે, હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે મ્યાનમાર અને થાઈલેન્ડમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. મ્યાનમારમાં મૃત્યુઆંક 1700 ને પાર કરી ગયો છે અને લાખો લોકો બેઘર બન્યા છે, જ્યારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક બહુમાળી ઇમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.
મ્યાનમારમાં આવેલા ભૂકંપ બાદ ત્યાંની સૈન્ય સરકારે રાજધાની નાયપિતાવ અને મંડલે સહિત છ પ્રદેશો અને રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. ભારત સરકારે તાત્કાલિક પગલાં લેતા મ્યાનમારમાં ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે પાંચ લશ્કરી વિમાનો દ્વારા રાહત સામગ્રી, બચાવ ટુકડીઓ અને તબીબી સાધનો મોકલ્યા છે. હવે મ્યાનમાર અને થાઈલેન્ડ બાદ ટોંગામાં આવેલા આ શક્તિશાળી ભૂકંપથી પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે


