અત્યારે લોકોમાં ઘિબલી સ્ટાઇલમાં પોતાની તસવીર બનાવવાની હોડ લાગી છે. નેતાથી માંડીને સેલિબ્રિટીઝ સુધીના દરેક સોશિયલ મીડિયા પર પોતાની ઘિબલી સ્ટાઇલમાં બનેલી તસવીર શેર કરી રહ્યા છે.
લોકો પોતાની અને બાળકોની એઆઇ-જનરેટેડ તસવીરો ધડાધડ શેર કરી રહ્યા છે. પરંતુ, આ જોવામાં જેટલું મજેદાર લાગે છે એટલું જ ખતરનાક પણ હોઈ શકે છે. જોખમ એ રહે કે, એઆઇ ક્યાંક આમાંથી ચહેરાની ચોરી ન કરી લે. હકીકતમાં, થોડાં વર્ષ પહેલાં ક્લિયરવ્યૂ એઆઇની એક કંપની પર મંજૂરી વગર સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ્સ પરથી 3 અબજ કરતાં વધારે તસવીરો ચોરી લીધાનો આરોપ થયો હતો. આ ડેટા પોલીસ અને પ્રાઇવેટ કંપનીઓને વેચવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મે 2024માં ઓસ્ટ્રેલિયાની આઉટબોક્સ કંપનીનો ડેટા લીક થયો, જેમાં 10 લાખ કરતાં વધારે લોકોના ફેશિયલ સ્કેન, ડ્રાઇવિંગ લાઇસન્સ અને સરનામાં ચોરાઈ ગયાં. આ ડેટા એક વેબસાઇટ પર અપલોડ કરી દેવાયો હતો.
ચહેરાથી કમાણી થઈ શકે છે
એઆઇ જનરેટેડ તસવીરો મજેદાર છે અને તેનો ઉપયોગ માત્ર મનોરંજન માટે થઈ રહ્યો છે, એવું વિચારવું ભૂલ ભરેલું હોઈ શકે. સ્ટેટિસ્ટાના એક રિપોર્ટ અનુસાર ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનું બજાર 2025 સુધીમાં 5.73 બિલિયન ડોલર અને 2031 સુધીમાં 14.55 બિલિયન ડોલર થઈ શકે છે. મેટા અને ગૂગલ જેવી મોટી કંપનીઓ પર આરોપ થતા રહ્યા છે કે તે યૂઝર્સની તસવીરોનો ઉપયોગ પોતાના એઆઇ મોડલ્સને ટ્રેન કરવા માટે કરે છે. પીમઆઇઝ જેવી વેબસાઇટ્સ કોઈ પણ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને તેની પૂરી ડિજિટલ ફૂટપ્રિન્ટ કાઢી શકે છે.


