IPL 2025 માં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી. આ મેચ જીતીને રાજસ્થાને સીઝન-18નો પહેલો વિજય મેળવ્યો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર બોલિંગ કરી, જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ 182 રન બનાવી શકી ન હતી. આ મેચમાં રિયાન પરાગની સારી કેપ્ટનશીપ પણ જોવા મળી. તેને બોલરોનો જે રીતે ઉપયોગ કર્યો તે પ્રશંસનીય હતો.
છેલ્લી ઓવરમાં રિયાન પરાગનો કામ કરી ગયો ‘માસ્ટરસ્ટ્રોક’
સીએસકેને આ મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી, જે એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર હોવાથી શક્ય લાગતું હતું. આ પરિસ્થિતિમાં, ફેન્સ અપેક્ષા રાખતા હતા કે જોફ્રા આર્ચર ઈનિંગની છેલ્લી ઓવર નાખશે, કારણ કે આ મેચમાં, આર્ચર રાજસ્થાન માટે સૌથી ઓછા રન આપનાર બોલર હતો અને તેની એક ઓવર પણ બાકી હતી, પરંતુ અહીં કેપ્ટન રિયાન પરાગે સંદીપ શર્મા પર દાવ રમ્યો, જે કામ કરી ગયો. તેમના આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
સંદીપે છેલ્લી ઓવરમાં માત્ર 20 રન જ આપ્યા નહીં પણ એમએસ ધોનીની મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી. આ મેચમાં સંદીપ શર્માએ બોલિંગ કરતી વખતે 4 ઓવરમાં 42 રન આપીને 1 વિકેટ લીધી, જ્યારે જોફ્રા આર્ચરે 3 ઓવરમાં માત્ર 13 રન આપ્યા.
જીતમાં હસરંગા અને નીતિશ રાણાએ ભજવી મહત્વની ભૂમિકા
આ મેચમાં, બેટ્સમેન નીતિશ રાણા અને સ્પિન બોલર વાનિંદુ હસરંગાએ રાજસ્થાન રોયલ્સની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરતા, નીતિશ રાણાએ 36 બોલમાં 81 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જેમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પછી હસરંગાએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી. બોલિંગ કરતી વખતે, હસરંગાએ 4 ઓવરમાં 35 રન આપીને 4 વિકેટ લીધી. આ મેચમાં નીતિશ રાણાને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.


