ભારત સામેની ટેસ્ટ સિરીઝ અને એશિઝ સિરીઝ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો પડ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ બંને આ સિરીઝમાંથી બહાર થઈ શકે છે. બંને ખેલાડીઓ હજુ સુધી પોતાની ઈજાઓમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી.
સ્ટોક્સને ડિસેમ્બરમાં ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને ત્યારથી તે કોઈ મેચ રમ્યો નથી. પરંતુ તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે અને આ વર્ષે બિઝી શેડ્યુલ માટે પોતાને તૈયાર કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ મે મહિનામાં ઝિમ્બાબ્વે સામે એકમાત્ર ટેસ્ટ રમવાનું છે. આ પછી, ઈંગ્લેન્ડે જૂનમાં ભારત સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. આ પછી, વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં એશિઝ રમાશે.
ડરહમના કોચે અપડેટ આપ્યું
ડરહમના કોચ રયાન કેમ્પબેલે જણાવ્યું હતું કે બેન સ્ટોક્સ તેની હેમસ્ટ્રિંગ સર્જરીમાંથી સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ ઘરેલુ ક્રિકેટમાં પાછા ફરવા અંગે કોઈ જોખમ લેવામાં આવશે નહીં. 22 મેના રોજ ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં ડરહમ છ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમવાનું છે. પરંતુ કેમ્પબેલને નથી લાગતું કે સ્ટોક્સ આ શરૂઆતની મેચોમાં રમશે.
ICC ની સત્તાવાર વેબસાઈટ મુજબ કેમ્પબેલે કહ્યું કે “મને નથી લાગતું કે તે સિઝનની શરૂઆતની મેચો રમશે. જો આવું થાય, તો તે બોનસ હશે. તે ગંભીર ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ આશા છે કે તે ટેસ્ટ મેચ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જશે.”
રાયન કેમ્પબેલે બેન સ્ટોક્સની કરી પ્રશંસા
કેમ્પબેલે બેન સ્ટોક્સના સમર્પણની પણ પ્રશંસા કરી. તેમને કહ્યું, “સ્ટોક્સ અહીં લગભગ દરરોજ સખત મહેનત કરે છે. તેમની હેમસ્ટ્રિંગ સર્જરી થઈ હતી, પરંતુ બીજા જ દિવસે તેઓ વેઈટ લિફ્ટિંગ કરવા આવ્યા, જેના પર મને વિશ્વાસ ન હતો આવતો. તેઓ ખૂબ જ મહેનતુ ખેલાડી છે અને ઈંગ્લેન્ડ માટે રમવા માટે કંઈ પણ કરવા તૈયાર છે.”
ઝડપી બોલર બ્રાયડન કાર્સ પગની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ કારણે, તેને પાકિસ્તાન અને દુબઈમાં યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઈંગ્લેન્ડની ટીમમાંથી બહાર થઈ ગયો હતો.


