રાજુલાના ખાખબાઇ ગામે નદીના ભયજનક પ્રવાહમાં ન્હાવા પડેલા યુવક સામે કાર્યવાહી
જાહેરનામાનો ભંગ કરતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ
અગ્ર ગુજરાત, રાજુલા
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના પ્રતિબંધાત્મક જાહેરનામાનો ભંગ કરી રાજુલા તાલુકાના ખાખબાઇ ગામે આવેલ ધાતરવડી નદીના ધસમસતા પાણીમાં પ્રવાહમાં જીવના જોખમે ન્હાવા પડેલા રાજુલાના એક યુવક વિરુદ્ધ રાજુલા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા તથા હિંડોરણા બીટની પોલીસ ટીમ ખાખબાઇ ગામ નજીક ધાતરવડી નદી કાંઠે સઘન પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન ખાખબાઇ ગામે રાજુલા આવવાના માર્ગ નજીક આવેલ ચેકડેમના નીચેના ભાગમાં ધસમસતા ભયજનક પાણીના પ્રવાહમાં એક યુવક ન્હાતો નજરે પડ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી જાહેરનામા ભંગ બદલ ઇસમ વિપુલ જગુભાઈ સોલંકી (ઉ.વ.૨૫) પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં નદી, નાળા કે ઓવરફ્લો થતાં ડેમના પાણીમાં જવું જીવલેણ નીવડી શકે છે. નાગરિકોને તંત્ર દ્વારા જારી કરાયેલા જાહેરનામાનુ પાલન કરવા અને સુરક્ષિત રહેવા રાજુલા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.


