સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી શરૂઆતથી એટલે કે પહેલી IPL સીઝનથી આ લીગનો ભાગ છે. ત્યારથી, તે સતત શાનદાર બેટિંગ કરી રહ્યો છે, અને આ ટ્રેન્ડ 18મી સીઝનમાં પણ ચાલુ છે.
વિરાટ કોહલીએ IPLમાં પહેલાથી જ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે અને હવે તેને વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના ભૂતપૂર્વ કેપ્ટન કોહલી આઈપીએલમાં 1000 ચોગ્ગા અને છગ્ગા (બાઉન્ડ્રી) ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
અક્ષર પટેલની ઓવરમાં મેળવી આ સિદ્ધિ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચાલી રહેલી મેચમાં વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો. તેને RCBની ઈનિંગના ચોથા ઓવરના ત્રીજા બોલે DC કેપ્ટન અક્ષર પટેલને સિક્સર ફટકારી અને આ રીતે IPLમાં 1000 બાઉન્ડ્રી પૂર્ણ કરી.
IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તે હાલમાં છગ્ગાના મામલે ત્રીજા સ્થાને છે. તેનાથી આગળ ફક્ત ક્રિસ ગેલ (357 છગ્ગા) અને રોહિત શર્મા (282 છગ્ગા) છે. જો કોહલીએ ગુરુવારે કુલ પાંચ છગ્ગા ફટકાર્યા હોત, તો તે રોહિત શર્માને પાછળ છોડીને છગ્ગા ફટકારનારાઓની લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગયો હોત.
અક્ષરે ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય
IPL 2025ની 24મી મેચમાં, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. આ મેચ માટે દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. સમીર રિઝવી અને અભિષેક પોરેલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને આશુતોષ શર્મા અને ફાફ ડુ પ્લેસિસને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. RCBએ તેની પાછલી ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને એ જ ટીમને મેદાનમાં ઉતારી છે જે 7 એપ્રિલ, સોમવારના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી.


