મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે મોટી જીત મેળવી છે. આ જીત સાથે, મુંબઈ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ મેચમાં મુંબઈએ રાજસ્થાનને 100 રનથી હરાવ્યું છે. રાજસ્થાનની ટીમ 16.1 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ હાર્યા બાદ, રાજસ્થાન રોયલ્સ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
મુંબઈની ધમાકેદાર શરુઆત
રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ તરફથી ઓપનિંગ કરવા આવેલા રિયાન રિકલ્ટન અને રોહિત શર્માએ સદીની પાર્ટનરશિપ કરી. રોહિતે 36 બોલમાં 53 રન અને રિયાન રિકલ્ટને 38 બોલમાં 61 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ 23 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યો અને હાર્દિક પંડ્યા પણ 23 બોલમાં 48 રન બનાવીને અણનમ રહ્યો. આ ચાર બેટ્સમેનોની વિસ્ફોટક ઈનિંગ્સે રાજસ્થાન માટે 218 રનનો ટાર્ગેટ આપ્યો.
રાજસ્થાનની હાલત ખરાબ
ગુજરાત ટાઈટન્સ સામે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે રાજસ્થાન આ રનનો સરળતાથી પીછો કરી શકશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોના તોફાનને કારણે, પાવર પ્લે પહેલા RR ની અડધી ટીમ આઉટ થઈ ગઈ. રાજસ્થાન રોયલ્સનો ઓપનર અને છેલ્લી મેચનો સેન્ચુરીયન વૈભવ સૂર્યવંશી ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. યશસ્વી જયસ્વાલ પણ 6 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો.
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ઘાતક બોલિંગ
મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની ઘાતક બોલિંગે રાજસ્થાનના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા. આજની મેચમાં કર્ણ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટે 3-3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે 2 વિકેટ, દીપક ચહર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી.
મુંબઈ ઈન્ડિયન્સ બન્યું ટેબલ ટોપર
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન બની ગઈ છે. મુંબઈએ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાં તેને 7 મેચ જીતી છે અને 3 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. હવે પોઈન્ટ ટેબલમાં, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ બંને 14-14 પોઈન્ટ સાથે છે, પરંતુ MIનો રનરેટ RCB કરતા સારો છે. એટલા માટે મુંબઈ ટેબલમાં ટોપ પર આવ્યું છે. આ મેચ હાર્યા બાદ, રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.


