ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં, કેપ્ટન હોવા છતાં, તેને પાંચમી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાંથી પોતાને બહાર રાખ્યો હતો.
આ સમયે, ફોર્મ અને ફિટનેસ રોહિતને સાથ આપી રહ્યા નથી, જે કદાચ તેની વહેલી નિવૃત્તિનું કારણ બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી તેનું ફોર્મ તેની નિષ્ફળતાનું કારણ છે.
રોહિત ખરાબ ફોર્મ સાથે કરી રહ્યો છે સંઘર્ષ
રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે અને તેના માટે રન બનાવવા મુશ્કેલ બની ગયા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ 0-3થી હારી ગઈ. આ સિરીઝમાં તેના બેટમાંથી ફક્ત એક જ અડધી સદી નીકળી અને બાકીના સમયમાં તે કિવી બોલરો માટે સરળ શિકાર બન્યો. આ પછી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ જૂની સ્ટોરીનું કમબેક થયું અને તેના બેટમાંથી 20 રનથી વધુની કોઈ ઈનિંગ નહોતી આવી. આ કારણોસર, તેને ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચથી પોતાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો. તેમની નિવૃત્તિનું એક સૌથી મોટું કારણ તેમનું ખરાબ ફોર્મ છે.
38 વર્ષનો છે રોહિત શર્મા
ટેસ્ટ ફોર્મેટ ક્રિકેટનું સૌથી જૂનું ફોર્મેટ છે અને અહીં બેટ્સમેનની ધીરજની ખરેખર કસોટી થાય છે. રોહિત શર્મા હાલમાં 38 વર્ષનો છે. કોઈપણ બેટ્સમેન માટે 38 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટ રમવું સરળ નથી. ગમે તે હોય, ટેસ્ટ ક્રિકેટ પાંચ દિવસનું હોય છે, તેથી અહીં ટકી રહેવા માટે ટેમ્પરામેન્ટની જરૂર છે.
ફિટનેસ એક મોટી સમસ્યા
રોહિત શર્માની ફિટનેસ પણ એક મોટી સમસ્યા રહી છે. ઘણા અનુભવી ખેલાડીઓએ અગાઉ પણ તેની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા કારણ કે તે અન્ય ખેલાડીઓ કરતા વજનમાં ભારે દેખાય છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં દોડતી વખતે તેને ઘણા સરળ કેચ છોડ્યા હતા. રોહિતની ટેસ્ટમાંથી વહેલા નિવૃત્તિમાં ફિટનેસ સૌથી મોટો મુદ્દો રહ્યો છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2024 માં T20 વર્લ્ડકપ અને 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. રોહિતે T20 વર્લ્ડકપ 2024 જીત્યા બાદ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેને ટેસ્ટને પણ અલવિદા કહી દીધું છે. હવે ભારતીય ફેન્સને તેનો જાદુ ફક્ત ODI ક્રિકેટમાં જ જોશે.


