ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને આઇપીએલમાં પંજાબ કિંગ્સની હેડકોચની ભૂમિકા નિભાવી રહેલા રિકી પોન્ટિંગે એવુ કરી બતાવ્યુ છે કે તેમની જોરશોરથી વખાણ થઇ રહ્યા છે.
જ્યારે IPL 2025 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે અચાનક તણાવને કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે પોન્ટિંગે ખૂબ જ બોલ્ડ અને જવાબદાર નિર્ણય લીધો. તેમણે માત્ર ભારતમાં રહેવાનો નિર્ણય જ નહીં લીધો, પરંતુ એ પણ સુનિશ્ચિત કર્યું કે પંજાબ કિંગ્સના વિદેશી ખેલાડીઓ ભારતમાં જ રહેશે. કે જેઓ આ સમયે દિલ્હીથી જવાની તૈયારી કરી રહ્યા હતા.
યુદ્ધ વિરામના સમાચાર મળતા જ..
એવું કહેવામાં આવી રહ્યું છે કે પોન્ટિંગના પ્રોત્સાહક ભાષણને કારણે પંજાબ કિંગ્સની આખી વિદેશી ટુકડી ભારત પાછી ફરશે. તમને જણાવી દઈએ કે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખ્યા બાદ તમામ ટીમોમાં તણાવનું વાતાવરણ હતું. ધર્મશાલામાં દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સની મેચ સુરક્ષાના કારણોસર અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. આ પછી બંને ટીમોને ખાસ વંદે ભારત ટ્રેન દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા. સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે BCCI એ બધા ખેલાડીઓને તેમના ઘરે મોકલવાની વાત કરી. જે બાદ ઓસ્ટ્રેલિયા જવા માટે દિલ્હીથી ફ્લાઇટમાં બેસવા તૈયાર થઇ ગયા હતા.
પોન્ટિંગ-હેડિન ભારતમાં રહેવા સહમત
જોકે યુદ્ધવિરામની જાહેરાત થતાં જ પોન્ટિંગ અને સહાયક કોચ બ્રેડ હેડિન બંને ભારતમાં રહેવા સંમત થયા. આ વાતનો ખુલાસો પંજાબ કિંગ્સના સીઈઓ સતીશ મેનન દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે રિકી પોન્ટિંગનો ખૂબ ખૂબ આભાર. તેમણે વધુમાં કહ્યું કે રિકી પોન્ટિંગ પોતાના ઘરે જઇ રહ્યો હતો. તે ફ્લાઇટમાં ચઢી પણ ગયો પરંતુ જેવી યુદ્ધ વિરામની જાહેરાત થઇ કે તે પાછો ફર્યો. સાથે જ કહ્યું કે બ્રેડ હેડિન પણ અમારી સાથે છે.
વિદેશી ખેલાડીઓ ફર્યા પાછા
જોકે આ ઘટના પહેલા પંજાબ કિંગ્સના ઘણા ખેલાડીઓ પોતાના ઘરે પાછા ફર્યા હતા. આ પછી પોન્ટિંગે વિદેશી ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને ભારત પાછા આવવા માટે મનાવી લીધા. ઝેવિયર બાર્ટલેટ અને માર્કસ સ્ટોઈનિસ સહિત ઘણા ખેલાડીઓ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે પરંતુ BCCI દ્વારા સુધારેલા IPL 2025 શેડ્યૂલની જાહેરાત થયા પછી તેઓ ભારત પાછા ફરશે. મેનને કહ્યું, ‘આપણા ખેલાડીઓ પાછા ફરશે.’ રિકી અને હેડિને એક ઉદાહરણ બેસાડ્યું છે. અમે BCCI તરફથી સત્તાવાર સૂચનાઓની રાહ જોઈ રહ્યા છીએ અને તે પછી જ અમે અમારા ખેલાડીઓનો સંપર્ક કરી શકીશું.


