ભારત-પાકિસ્તાન સીઝફાયર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ જણાવ્યુ છે કે અમે પરમાણુ સંઘર્ષને રોક્યુ છે. ભારત અને પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે. છતાં અમેરિકાએ સિઝફાયરમાં મદદ કરી છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યુ હતુ કે, “શનિવારે, મારા વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ લાવવામાં મદદ કરી. મને લાગે છે કે આ કાયમી યુદ્ધવિરામ હશે. ભારત અને પાકિસ્તાનનું નેતૃત્વ અડગ હતું. મેં કહ્યું હતું કે જો તમે યુદ્ધ બંધ નહીં કરો, તો અમે વેપાર નહીં કરીએ.”
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર અમેરિકન રાષ્ટ્રપતિનું નવું નિવેદન
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો પરમાણુ શક્તિ હોવા છતાં, નેતૃત્વ ક્ષમતા અને શાણપણથી પરિસ્થિતિને સંભાળી શકાય છે. આ સમય દરમિયાન ટ્રમ્પે ઘણા વિચિત્ર દાવા પણ કર્યા હતા. પણ એક ખાસ વાત, આ વખતે તે મધ્યસ્થીનાં મુદ્દાથી પાછળ હટી ગયા છે. ટ્રમ્પે કહ્યું કે, અમે હમણાં જ મદદ કરી. ભારતના દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતુ કે, મારા વહીવટીતંત્રની મદદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ લાવવામાં આવ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ખતરનાક સંઘર્ષ સમાપ્ત થયો. બંને દેશો પાસે પુષ્કળ પરમાણુ શસ્ત્રો છે. પરંતુ આમાં સૌથી મહત્વની વાત એ છે કે ટ્રમ્પે આ વખતે મધ્યસ્થી વિશે વાત કરી નથી. તેમણે મદદ વિશે વાત કરી છે. મધ્યસ્થી મુદ્દે ભારતે કડક વલણ અપનાવ્યું હતું. સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજા દેશ દ્વારા મધ્યસ્થી થઈ શકે નહીં.
બન્ને દેશની સમજદારીઃ ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું, “હું ગર્વથી કહી શકું છું કે ભારત અને પાકિસ્તાન બંનેના નેતાઓએ અદ્ભુત સંકલ્પ અને બુદ્ધિમત્તા બતાવી. તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સંપૂર્ણપણે સમજી ગયા. અમે આ સમગ્ર મામલામાં ઘણી મદદ કરી. માત્ર રાજદ્વારી રીતે જ નહીં. પરંતુ અમે તેમને વેપાર દ્વારા પણ સમજાવ્યું. ટ્રમ્પે કહ્યું કે તેઓ વેપારનો ઉપયોગ વ્યૂહાત્મક હથિયાર તરીકે કરે છે.” ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મેં તેમને કહ્યું હતું કે જો તમે લડાઈ બંધ કરશો તો અમે વેપાર કરીશું. જો આપણે તેને રોકીશું નહીં, તો કોઈ વેપાર થશે નહીં. લોકોએ ક્યારેય મારા જેવો વ્યવસાયનો ઉપયોગ કર્યો નથી. તેમના મતે, યુદ્ધવિરામ અને તણાવ ઘટાડવામાં અમેરિકાની ભૂમિકા નિર્ણાયક હતી. આ રાજદ્વારી વિજય વેપાર દબાણની નીતિને કારણે શક્ય બન્યો છે.


