વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની અચાનક જાહેરાત કરતાં પોતાના ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. કિંગ કોહલીના ટેસ્ટ સંન્યાસને લઈને ક્રિકેટ જગતમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો વિરાટના આ નિર્ણય પાછળ બોર્ડ જવાબદાર હોવાની ટિપ્પણી કરી રહ્યા છે તો કોઈ તેને ક્રિકેટરનો વ્યક્તિગત નિર્ણય જણાવી રહ્યું છે. મોહમ્દ કૈફે કોહલીના છેલ્લા કેટલાક વર્ષોના ખરાબ પ્રદર્શન અને પંસદગી સમિતિના વલણ પર આ અંગે ટિપ્પણી કરી હતી. હવે વિરાટ કોહલીના ખાસ ગણાતા અને ભારતીય ટીમના કોચ રહી ચૂકેલા રવિ શાસ્ત્રી દ્વારા કિંગ કોહલીના ટેસ્ટ સંન્યાસને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
વિરાટના મનમાં કોઈ શંકા નથી
ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે મેં તેની સાથે આ વિશે વાત કરી હતી.મેં એક કે બે પ્રશ્નો પૂછ્યા હતા. વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટના સંન્યાસ બાબતે બહુ સ્પષ્ટ હતો. વ્યક્તિગત રીતે તેની વાત સાચી હતી. તેણે ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું કે આ અંગે તેમના મનમાં કોઈ શંકા નથી. મને અત્યારે વિચાર આવ્યો કે આ નિર્ણય લેવાનો અત્યારે જ યોગ્ય સમય છે. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ જગતમાં રવિ શાસ્ત્રી અને કોહલીની સફળ કેપ્ટન-કોચની જોડી માનવામાં આવે છે. રવિ શાસ્ત્રી કોચ હતો ત્યારે અનેક મેચ દરમિયાન બંને વચ્ચેનું બોન્ડીંગ જોવા મળ્યું છે.
આ જ યોગ્ય સમય છે: વિરાટ કોહલી
શાસ્ત્રીએ આગળ કહ્યું સામાન્ય રીતે ક્રિકેટમાં જ્યારે ટીમ મેદાનમાં જાય છે ત્યારે એક બેટ્સમેન કે બોલર તરીકે, તમે તમારું કામ કરો છો અને પછી આરામ કરો છો. પરંતુ કોહલી સાથે આવું નથી, તેની રમવાની રીત અલગ છે તેણે જે કંઈક કરવાનું નક્કી કર્યું હોય તેમાં તેણે પોતાનું 100% આપ્યું છે. આમ કરવું સરળ નથી. વ્યક્તિગત રીતે, બોલર તરીકે, બેટ્સમેન તરીકે અને એક ખેલાડી તરીકે તે પોતાનું શ્રેષ્ઠ આપવા પ્રયાસ કરતો હોય છે. તેને એવું જ લાગે છે કે તેણે બધી વિકેટ લેવી પડશે, તેણે બધા કેચ લેવા પડશે, તેણે મેદાન પર બધા નિર્ણયો લેવા પડશે.જો તે રમતમાં આટલો વ્યસ્ત થયા પછી આરામ નહીં કરે, જો તે નક્કી નહીં કરે કે તે વિવિધ ફોર્મેટમાં કેટલું રમવા માંગે છે, તો તે સ્પષ્ટપણે બર્નઆઉટની સ્થિતિમાં હશે. અને એટલે જ હું તેના આ નિર્ણય સાથે સમંત છું. આમ, કરવું જરૂરી પણ હતું.
વિરાટ કોહલીની કરી પ્રશંસા
રવિ શાસ્ત્રી વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે તેનામાં ગજબની સ્ફૂર્તિ અને ક્રિકેટ રમવાનું ઝનૂન છે. આ એક એવો ગુણ છે જેના કારણે દર્શકો અને ખેલાડીઓ રમતમાં રસ લેતા થયા છે. કોહલીના ભારત જ નહી દુનિયાભરમાં તેના ચાહકો ફેન છે. છેલ્લા દાયકામાં તેના ચાહકો અન્ય કોઈપણ ક્રિકેટર કરતા વધુ છે. અને એટલે જ જેમ બોલીવુડમાં લોકો શાહરૂખ ખાને કિંગ કહેવા લાગ્યા છે તેમ ક્રિકેટ જગતમાં લોકો કોહલીને કિંગ કોહલી કહેવા લાગ્યા છે. મહત્વનું છે કે ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન તરીકે કોહલી એક નોંધપાત્ર વારસો છોડી ગયો છે. તેણે 68 ટેસ્ટ મેચમાંથી 40 જીત મેળવી છે. કોહલીએ પોતાની બેટિંગ તેમજ મેદાન પર પોતાના અભિવ્યક્ત કરવાના સ્વભાવથી તમામ ચાહકોને પ્રેરિત કર્યા છે.


