IPL 2025 17 મેના રોજ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ શરૂ થાય તે પહેલા ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે, મેચમાં ટોસ શરૂ થાય તે પહેલા વરસાદ શરૂ થયો છે.
આ પરિસ્થિતિમાં, ફેન્સના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે જો વરસાદને કારણે આ મેચ રદ્દ થાય તો શું થશે. જો મેચ રદ્દ થાય તો કઈ ટીમને ફાયદો થશે અને કોને નુકસાન થશે?
RCB પ્લેઓફમાં પહોંચશે?
જો KKR અને RCB વચ્ચેની આ મેચ વરસાદને કારણે રદ્દ થાય છે, તો બેંગ્લુરુ ટીમને તેનો થોડો ફાયદો થશે. મેચ રદ્દ થયા પછી, RCB પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે. તેમના ખાતામાં હાલમાં 11 મેચમાં 8 જીત અને 3 હાર સાથે 16 પોઈન્ટ છે. જો મેચ રદ્દ થાય છે તો બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. વધુ એક પોઈન્ટ સાથે, RCB ના 12 મેચોમાં 17 પોઈન્ટ થઈ જશે અને ટોપ-4 માં તેમનો માર્ગ સરળ બનશે.
KKR ટુર્નામેન્ટમાંથી થઈ જશે બહાર
જો મેચ રદ્દ થાય તો KKR ટીમને મોટું નુકસાન થશે. કોલકાતા માટે પ્લેઓફના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ જશે. KKR ના ખાતામાં હાલમાં 12 મેચોમાં 5 જીત, 6 હાર અને એક રદ્દ થયેલી મેચ બાદ 11 પોઈન્ટ છે. શનિવારે પોઈન્ટ શેર કર્યા પછી, KKR પાસે 13 મેચમાંથી 12 પોઈન્ટ હશે અને પછી તેઓ મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકશે. 14 પોઈન્ટ સાથે ટીમ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં.
ટોપ-2 માં પહોંચવા માગશે RCB
RCB ટીમ KKR સાથે એક-એક પોઈન્ટ શેર કર્યા પછી ટોપ-2 માં પહોંચવાનો પ્રયાસ કરશે. કોલકાતા સામેની આ મેચ પછી, તેમની આગામી બે મેચ હૈદરાબાદ અને લખનૌ સામે છે. જો RCB બંને મેચ જીતે છે તો તેના ખાતામાં 21 પોઈન્ટ થઈ જશે. જો પંજાબ તેની ત્રણેય મેચ જીતી જાય છે, તો તેના ખાતામાં 21 પોઈન્ટ પણ થઈ જશે. જો ગુજરાત આગામી ત્રણ મેચ જીતવામાં સફળ રહે છે, તો તેમના ખાતામાં કુલ 22 પોઈન્ટ થશે અને તેઓ ટેબલ ટોપર બનશે. આ પરિસ્થિતિમાં, બીજા સ્થાનનો નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે. આરસીબી પોતાનો નેટ રન રેટ સુધારવા માટે બાકીની મેચો મોટા માર્જિનથી જીતવા માંગશે.


