IPL 2025 સીઝન રાજસ્થાન રોયલ્સ માટે સંપૂર્ણ આપત્તિજનક સાબિત થઈ. છેલ્લા કેટલાક સિઝનથી સતત સારું પ્રદર્શન કરી રહેલી આ ટીમ આ વખતે લીગ સ્ટેજની મેચો પૂરી થાય તે પહેલાં જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ.
પરંતુ, આ સિઝનમાં રાજસ્થાન માટે એક સારા સમાચાર એ છે કે 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પરનો દાવ સફળ સાબિત થયો છે. પરંતુ શાનદાર પ્રદર્શન છતાં, વૈભવને બાકીની મેચોમાં બહાર બેસવું પડી શકે છે અને તેનું કારણ પણ એક સારા સમાચાર છે.
કેપ્ટન સેમસન રમવા માટે ફિટ
IPL 2025 સીઝન ફરી શરૂ થઈ ગઈ છે અને આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે બહુ કંઈ બાકી નથી. ટીમ પહેલાથી જ બહાર થઈ ગઈ છે પરંતુ રાજસ્થાનને તેની 13મી મેચ રમતા પહેલા સારા સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબટીમનો નિયમિત કેપ્ટન સંજુ સેમસન સંપૂર્ણપણે ફિટ છે અને છેલ્લી બે મેચ રમવા માટે તૈયાર છે.
આ આખી સિઝન સંજુ સેમસન માટે ઈજાઓ સાથે સંઘર્ષભરી રહી છે. સિઝનની પહેલી 3 મેચમાં, તે ફક્ત એક ઈમ્પેક્ટ પ્લેયર બેટ્સમેન તરીકે રમ્યો. આ સમય દરમિયાન રિયાન પરાગે ટીમની કમાન સંભાળી. પછી તે થોડી મેચો માટે ટીમમાં પાછો ફર્યો પરંતુ ફરી એકવાર મેચ દરમિયાન ઈજાને કારણે તે બહાર થઈ ગયો. પરંતુ હવે સંજુ સંપૂર્ણપણે ફિટ છે અને રવિવાર 18 મેના રોજ પંજાબ કિંગ્સ સામે વાપસી કરવા માટે તૈયાર છે.
વૈભવ સૂર્યવંશી થશે ટીમમાં બહાર?
પરંતુ આનાથી એક સવાલ ઉભો થયો છે કે શું 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવશે? મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આટલું કડક પગલું ભરશે? આ સવાલ એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે સંજુ આ સિઝનમાં ટીમ માટે ઓપનિંગ કરી રહ્યો હતો અને જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. વૈભવને ઈજા પછી જ તક મળી અને ત્રીજા મેચમાં જ તેને 35 બોલમાં વિસ્ફોટક સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો.
વૈભવે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચમાં 155 રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 209 રહ્યો છે. આ પરિસ્થિતિમાં, રાહુલ દ્રવિડ IPL 2025 ની સૌથી મોટી શોધ છોડી દેશે તે અશક્ય લાગે છે. તેથી, એ વાત ચોક્કસ છે કે રાજસ્થાન રોયલ્સના બેટિંગ ક્રમમાં ફેરફાર થઈ શકે છે અને સંજુ સેમસન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. આવી સ્થિતિમાં શુભમ દુબે અથવા નીતિશ રાણાને બહાર બેસાડી શકાય છે. બીજો વિકલ્પ એ છે કે ઓપનર યશસ્વી જયસ્વાલને છેલ્લી 2 મેચમાંથી આરામ આપવામાં આવે જેથી તે ઈન્ડિયા-એ સાથે ઈંગ્લેન્ડ જતા પહેલા થોડો આરામ કરી શકે.


