ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને તેમના જ ઘરમાં 10 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, ગુજરાતે 19મી ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી. આ સાથે, ગુજરાત IPL 2025ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ગુજરાતના ટોપ ઓર્ડરે એવો પ્રભાવ પાડ્યો કે દિલ્હીના બોલરો જીટીની ઓપનિંગ જોડીને પણ ભેદી શક્યા નહીં. એક તરફ, સાઈ સુદર્શને 61 બોલમાં 108 રનની શાનદાર ઈનિંગ રમી, તો બીજી તરફ, કેપ્ટન શુભમન ગિલ પણ 93 રન બનાવીને અણનમ પાછો ફર્યો.
IPL 2025ના પ્લેઓફમાં પહોંચ્યું ગુજરાત
ગુજરાત ટાઈટન્સ IPL 2025 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ગુજરાતના હવે 12 મેચમાં 18 પોઈન્ટ છે. તેની પાસે હજુ 2 મેચ બાકી છે જે તેને 22 પોઈન્ટ સુધી લઈ જઈ શકે છે. ગુજરાત પાસે ટેબલ ટોપર બનવાની સુવર્ણ તક છે. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સના 17-17 પોઈન્ટ છે. ગુજરાત ટાઈટન્સ સાથે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો, GT સામે હાર છતાં, તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ. તેની પાસે હજુ 2 મેચ બાકી છે અને તે મહત્તમ 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
સાઈ સુદર્શન અને શુભમન ગિલની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ
લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સે સરળતાથી મેચ જીતી લીધી. સાઈ સુદર્શન અને શુભમન ગિલની જોડીએ પહેલી ઓવરથી જ મોટા શોટ મારવાનું શરૂ કરી દીધું અને તે અંત સુધી ચાલુ રહ્યું. સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી અને 56 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ તેની IPLમાં બીજી સદી હતી. સુદર્શને 61 બોલમાં અણનમ 108 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે શુભમન ગિલ 93 રન બનાવીને અણનમ રહ્યો અને સદી ફટકારવાનું ચૂકી ગયો. બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 205 રનની અતૂટ પાર્ટનરશિપ કરી અને ટીમને સરળ વિજય અપાવ્યો.
દિલ્હી માટે કેએલ રાહુલે ફટકારી સદી
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સનો આ મેચમાં શરૂઆત સારી રહી ન હતી. ટીમને પહેલો ઝટકો ફાફ ડુ પ્લેસિસના રૂપમાં મળ્યો. તે 5 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેએલ રાહુલ અને અભિષેક પોરેલે ઈનિંગ્સની કમાન સંભાળી. બીજી વિકેટ માટે બંને વચ્ચે 90 રનની પાર્ટનરશિપ થઈ. પોરેલ 19 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. તેમના પછી, અક્ષર પટેલ બેટિંગ કરવા આવ્યો અને કેએલને સપોર્ટ કર્યો. અક્ષર પણ 25 રન બનાવીને આઉટ થયો. એક છેડેથી સતત વિકેટો પડી રહી હતી, ત્યારે બીજા છેડે કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. તેને 60 બોલમાં પોતાની સદી પૂરી કરી. તે આખરે 65 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 112 રન બનાવીને અણનમ પાછો ફર્યો. દિલ્હીએ 20 ઓવર સુધી બેટિંગ કર્યા બાદ 3 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા.


