દિલ્હી કેપિટલ્સ ટીમ હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કરો યા મરો જેવી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 59 રનથી હરાવ્યું અને પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકી દીધું.
આ મેચમાં હાર બાદ, દિલ્હી કેપિટલ્સે હવે IPLના ઈતિહાસમાં એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાવ્યો છે. હવે દિલ્હી કેપિટલ્સ IPLમાં આવું કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
દિલ્હી કેપિટલ્સના નામે નોંધાયો આ અનિચ્છનીય રેકોર્ડ
IPL 2025ની 63મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જે જીતીને મુંબઈ પ્લેઓફ માટે ક્વોલિફાય થયું. આ સાથે, દિલ્હી કેપિટલ્સ હવે IPLના ઈતિહાસમાં પહેલી ટીમ બની ગઈ છે જે તેની શરૂઆતની ચાર મેચ જીતવા છતાં પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નથી. ટુર્નામેન્ટનો અડધો ભાગ પૂરો થયો ત્યાં સુધીમાં, દિલ્હી પ્લેઓફમાં પહોંચવા માટે એક મજબૂત દાવેદાર હતું.
સીઝનની શરૂઆતની મેચોમાં, દિલ્હી કેપિટલ્સે CSK, RCB, RCB અને લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યા હતા. આ પછી દિલ્હીનો મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ સામે પરાજય થયો, સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ રદ્દ કરવામાં આવી, જ્યારે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પંજાબ કિંગ્સ સાથેની મેચ પણ રદ્દ કરવામાં આવી.
મુંબઈ ઈન્ડિયન્સ સામે બીજી વખત પરાજય
IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ બીજી ટક્કર હતી અને બંને વખત મુંબઈ જીત્યું હતું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી બેટિંગ કરતી વખતે સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 73 રન બનાવ્યા.
આ પછી 181 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે, દિલ્હી કેપિટલ્સની ટીમ 18.2 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી તરફથી બેટિંગ કરતી વખતે સમીર રિઝવીએ સૌથી વધુ 39 રન બનાવ્યા. બીજી બાજુ, મુંબઈ તરફથી કેટલીક શાનદાર બોલિંગ જોવા મળી. આ મેચમાં મુંબઈ તરફથી બોલિંગ કરતી વખતે, જસપ્રીત બુમરાહ અને મિચેલ સેન્ટનરે 3-3 વિકેટ લીધી હતી. હવે મુંબઈએ 26 મેના રોજ પંજાબ કિંગ્સ સાથે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે.


