BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. દુલીપ ટ્રોફીને તેના જૂના ફોર્મેટમાં પાછી લાવવામાં આવશે, જ્યારે રણજી ટ્રોફી 2025-26ની શરૂઆતની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
રણજી ટ્રોફી 15 ઓક્ટોબરથી 28 ફેબ્રુઆરી સુધી બે તબક્કામાં રમાશે. વર્ષ 2026માં ફાઈનલ પછી એક ટીમને આગામી સીઝન માટે પ્રમોટ કરવામાં આવશે, જ્યારે એક ટીમને ડિમોશન કરવામાં આવશે.
2018-19 સીઝનમાં BCCI એ રણજી ટ્રોફીમાં 9 નવી ટીમો સામેલ કરી હતી, જેમાં નોર્થ-ઈસ્ટની ટીમોનો પણ સામેલ હતી. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે રમાતી પ્રીમિયમ ક્રિકેટના સ્તર પર અસર પડી છે. ગયા સીઝનમાં મેઘાલય રણજી ટ્રોફી એલીટ ડિવિઝનમાં તેની તમામ સાત મેચ હારી ગયું હતું. આ ફેરફાર રેડ બોલ ક્રિકેટમાં તમામ વય-જૂથ ક્રિકેટ ટુર્નામેન્ટ પર લાગુ થશે. રણજી ટ્રોફી 2025-26 સીઝન 15 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ તબક્કો 19 નવેમ્બર સુધી રમાશે. નોકઆઉટ મેચ 6 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી રમાશે.
દુલીપ ટ્રોફીમાં ફેરફાર
દુલીપ ટ્રોફીની છેલ્લી સીઝનમાં, ટીમોને ઈન્ડિયા એ, ઈન્ડિયા બી, ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી નામ આપવામાં આવ્યું હતું. હવે ટીમો ઝોનના આધાર પર દુલીપ ટ્રોફીમાં પરત ફરી રહી છે. આનો અર્થ એ થયો કે આગામી સીઝનમાં દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા વેસ્ટ, ઈન્ડિયા ઈસ્ટ, ઇન્ડિયા સાઉથ, ઈન્ડિયા નોર્થ, ઈન્ડિયા સેન્ટ્રલ અને ઈન્ડિયા નોર્થ ઈસ્ટની ટીમો રમશે. દુલીપ ટ્રોફી 28 ઓગસ્ટથી શરૂ થશે અને મહિલા ઈન્ટર-ઝોન મલ્ટી-ડે ટ્રોફી 3 એપ્રિલ, 2026 ના રોજ સમાપ્ત થશે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને સિનિયર મહિલા T20 ટ્રોફીમાં નોકઆઉટ તબક્કાને બદલે સુપર લીગ સ્ટેજનો વધારો કરવામાં આવી રહ્યો છે. વિજય હજારે ટ્રોફી, સિનિયર મહિલા વનડે ટ્રોફી અને મેન્સ અંડર-23 સ્ટેટ-A ટ્રોફીમાં 4 એલીટ ગ્રુપ અને એક પ્લેટ ગ્રુપ મોડેલ લાગુ કરવામાં આવશે.


