સત્ય એ લોકો માટે નથી કે જેઓ આદરણીય છે, જેઓ પોતાને વિસ્તારવાની અને પોતાના આત્મસંતોષની જ ઈચ્છા રાખતા હોય તેમને માટે સત્ય નથી. સત્ય એ લોકો માટે નથી કે જેઓ સલામતી અને અમર થવાનો ઉપાય શોધે છે, કેમ કે અમર થવાની કે અમરત્વની શોધમાં તેમને તેની વિરુદ્ધનો શબ્દ નશ્વરતા (નાશવંતપણું) પ્રાપ્ત થાય છે. સમયની જાળમાં ફસાઈ ગયા હોવાથી તેઓ શાશ્વતને શોધે છે, પરંતુ જે અમર થવાનું તેઓ શોધે છે તે વાસ્તવિક નથી, કારણ કે તેઓ જે શોધે છે તેમના વિચારથી ઉત્પન્ન થયેલું છે, તેથી જે માણસ વાસ્તવિકતા સમજ જશે તે એવી શોધ કરતો અટકી જશે. તેનો અર્થ એવો નથી કે તે જે છે તેનાથી સંતુષ્ટ જ હશે. ઊલટાનું જે માણસ સત્યની શોધ માટે આતુર અને ઉત્કટ હોય છે તે આંતરિકપણે સંપૂર્ણપણે ક્રાંતિકારી જ હોવો જોઈએ. તે કોઈ પણ વર્ગનો, કોઈ પણ રાષ્ટ્રનો, કોઈ પણ સમૂહનો કે સંગઠિત ધર્મની વિચારધારાને અનુસરનાર ન હોઈ શકે; કારણ કે સત્ય મંદિરમાં નથી કે નથી ચર્ચામાં, સત્ય હાથ દ્વારા કે મન દ્વારા ઘડેલી વસ્તુઓમાં નથી. સત્ય માત્ર ત્યારે જ ઉદ્ભવે છે કે જ્યારે મનની અને હાથની ઘડેલી વસ્તુઓ સમયની વાત સાથે સંકળાયેલી ન હોય. જે સમયથી મુક્ત છે, જે પોતાના વિસ્તાર માટે સમયનો સાધન તરીકે ઉપયોગ નથી કરતો તે સત્ય પામે છે. સમયનો અર્થ છે ગઈ કાલની સ્મૃતિ, તમારા કુટુંબની સ્મૃતિ, તમારી જાતિની, તમારી ખાસ પ્રતિષ્ઠાની, `હું’ અને `મારું’ જેનાથી સર્જાય છે તેવા તમારા અનુભવોની સ્મૃતિ.
અસત્યમાં રહેલા સત્યને જુઓ
જ્યારે તમે એમ કહેવાતું સાંભળો કે રાષ્ટ્રવાદ તેની બધી ભાવુકતા અને તેમાં રહેલાં સ્થાપિત હિતો સાથે શોષણ તરફ દોરી જાય છે અને માણસને માણસની વિરુદ્ધ ઉશ્કેરે છે એ વાત સાથે કદાચ તમે ઉપરછલ્લી રીતે સહમત થાઓ એ એક વાત છે અને ખરેખર તમારા મનને રાષ્ટ્રવાદની નિરર્થકતાથી મુક્ત કરવું એ બીજી વાત છે. મુક્ત થવું, મનનું માત્ર રાષ્ટ્રવાદથી જ મુક્ત થવું પૂરતું નથી, પરંતુ તેનું ધાર્મિક સંસ્થાઓના અને રાજકીય પદ્ધતિઓનાં તમામ તારણોથી પણ મુક્ત થવું જરૂરી છે. તે રીતે મુક્ત થવા માટે મનનું યુવા રહેવું, તાજું રહેવું, નિર્દોષ રહેવું એટલે કે ક્રાંતિની અવસ્થામાં રહેવું અત્યંત જરૂરી છે અને માત્ર આવું જ મન એક નવા વિશ્વનું સર્જન કરી શકે. કોઈ રાજકારણી નવું વિશ્વ ન સર્જી શકે, કારણ કે તેઓ મૃત છે, ધર્મગુરુઓ પણ નહીં કે જેઓ પોતાની જ ધાર્મિક સંસ્થાઓમાં જકડાયેલા છે.
આમ, સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે તમે ખુદ જે સાંભળ્યું છે તે સાચું છે અને જો તમે માત્ર તેને સાંભળ્યું જ હશે અને જો તમારા મનમાં ખેદ કે ખળભળાટ ન થયો હોય અને તેનાથી તમારું મન ખુદને સંકુચિત અને દુષ્ટ બનાવતી આ બધી વસ્તુઓથી મુક્ત થવાની શરૂઆત ન કરે તો તમે જે સત્ય સાંભળ્યું છે તે ઝેર જેવું બની જશે. એ ચોક્કસ છે કે જો સત્યને માત્ર સાંભળવામાં આવે અને તેની અસર મન ઉપર ન થાય તો તે ઝેર બની જાય છે, જે રીતે જખમ સડી જાય છે, પરંતુ તમે તમારી જાતે જ સત્ય શું છે અને અસત્ય શું છે તે શોધી કાઢો અને સત્યમાં રહેલા સત્યને જુઓ તે સત્યને તેની રીતે સક્રિય થવા દો અને તેને તેની પ્રક્રિયા કરવા દો.


