રતમાં આવેલાં પ્રાચીન-અર્વાચીન મંદિરો વિશે આશ્ચર્યની વાત એ છે કે આ પૈકીના મોટાભાગનાં મંદિરો આજે પણ સારી સ્થિતિમાં જોવા મળે છે. આ મંદિરોમાં કેટલાંક મંદિરોમાં આજે પણ પૂજા-અર્ચના અને વાર-તહેવારે વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવે છે. તેમજ અહીં શ્રદ્ધાળુઓ પણ પૂરા ભક્તિભાવથી દેવદર્શન કરવા આવે છે. આવું જ એક મંદિર તમિલનાડુના થંજાવુર જિલ્લામાં આવેલા કુંભકોણમ શહેરમાં જોવા મળે છે. મૂળ આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે અને તેમને અહીં આદિ કુંભેશ્વરના રૂપમાં પૂરા ભક્તિભાવથી પૂજવામાં આવે છે. આ મંદિર 1300 વર્ષ કરતાં પણ જૂનું છે. એટલે કે મંદિરનું નિર્માણ ૭મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરના પરિસરમાં માતા પાર્વતીજીનું મંદિર પણ જોવા મળે છે. જેને અહીંની સ્થાનિક ભાષામાં `મંગલામ્બિગઇ અમ્મન’ કહેવામાં આવે છે.
કુંભકોણમ શહેરમાં આવેલું આદિ કુંભેશ્વર મંદિર માત્ર તમિલનાડુમાં જ નહીં, પરંતુ ભારતભરમાં પ્રસિદ્ધ છે. અહીં તેમના ઇષ્ટદેવ ભગવાન શિવજી છે, જેને કુંભેશ્વર નામથી પણ પૂજવામાં આવે છે. ઉપર જણાવ્યું તેમ આ મંદિરનું નિર્માણ ૭મી સદીમાં ચૌલો દ્વારા કરવામાં આવ્યું હતું.
આદિ કુંભેશ્વર મંદિરનો ઈતિહાસ અને કિંવદંતી
પ્રલય અને પૂર દરમિયાન ભગવાન બ્રહ્માએ અમૃત અને દિવ્ય અમૃતને એક વાસણમાં સંગ્રહિત કરવા માટે આ જ શહેરની પસંદગી કરી હતી, જેથી ફરીથી સૃષ્ટિનું નિર્માણ કરી શકાય. અલબત્ત, ભગવાન શિવજીએ મૂળ તો મેરુ નામના પહાડની પસંદગી કરી હતી. ભગવાન શંકર એક શિકારીના સ્વરૂપમાં પ્રગટ થયા અને માત્ર એક તીર વડે કળશમાં છેદ કર્યો હતો. તેનાથી કળશમાંનું અમૃત જે તે દિશામાં વહેવા લાગ્યું. કળશમાંથી જે જે વસ્તુઓ જ્યાં પડી ત્યાં શિવલિંગ પ્રગટ થયું. પ્રસ્તુત મંદિર પણ તે પૈકીનું એક છે. આદિ કુંભેશ્વરમાં ભગવાન `થિરુવિલાયદલે’ ચમત્કાર કર્યો હતો.
આદિ કુંભેશ્વર મંદિરની વાસ્તુકલા
આદિ કુંભેશ્વર મંદિર અંદાજિત 30,181 વર્ગ ફૂટ અને 4 એકરમાં ફેલાયેલું જોવા મળે છે. આ મંદિરની ચારેય તરફ ગોપુરમ (દક્ષિણનાં મંદિરોમાં જોવા મળે છે, ખાસ કરીને મંદિર પરિસરમાં જવા માટેનું ખાસ દ્વાર જેને સુંદર રીતે કંડારવામાં આવે છે.) રાજગોપુરમમાં 9 માળ છે. આદિ કુંભેશ્વર મંદિરમાં જેટલા પણ ગોપુરમ જોવા મળે છે તે તમામમાં અદ્ભુત કોતરણીઓ જોવા મળે છે અને તેમાં જે રંગો પૂરવામાં આવ્યા છે તે મન મોહી લે તેવા છે. આ મંદિરને પોતાનું એક મોટું તળાવ છે, જેનો ઉપયોગ ધાર્મિક અનુષ્ઠાન માટે કરવામાં આવે છે. આ તળાવ પણ મંદિરની શોભા વધારે છે.
મંદિર પરિસરનાં અન્ય મંદિરો
આદિ કુંભેશ્વર મંદિરના પરિસરમાં અન્ય દેવી-દેવતાઓનાં મંદિરો પણ આવેલાં છે. વાર-તહેવારમાં મંદિરોની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મંદિરોમાં ભગવાન ગણેશ, ભગવાન મુરુગન, દેવી સરસ્વતી અને માતા લક્ષ્મીનો સમાવેશ થાય છે. આદિ કુંભેશ્વરમાં માત્ર એક જ પથ્થરમાંથી કંડારવામાં આવેલા 2૭ તારાઓ અને 12 રાશિઓની મૂર્તિઓ પણ જોવા મળે છે.
આદિ કુંભેશ્વર મંદિરમાં ઊજવાતા તહેવારો
આમ તો આ મંદિરમાં હિન્દુ ધર્મના દરેક ધાર્મિક તહેવારો ઊજવવામાં આવે છે, પરંતુ આદિ કુંભેશ્વર મંદિરમાં `મહામહમ’ નામનો વિશેષ તહેવાર 12 વર્ષમાં એક વાર ઊજવવામાં આવે છે, જે ભારતના સૌથી મહત્ત્વના ધાર્મિક તહેવારોમાંથી એક ગણવામાં આવે છે. આ તહેવારમાં દુનિયાભરથી શ્રદ્ધાળુઓ આવે છે. આ તહેવાર સિવાય અહીં ઊજવાતા તહેવારોમાં શિવરાત્રિ, ચિથિરાઇ બ્રહ્મોત્સવમનો સમાવેશ થાય છે. આ સાથે સાથે દિવાળી, પોંગલ, અરુદ્ર દર્શન અને નવરાત્રિ પણ અહીં ધામધૂમથી ઊજવવામાં આવે છે.
આદિ કુંભેશ્વર મંદિરમાં પૂજા કરવાથી મળતા લાભ
પુરાણો અને ધાર્મિક ગ્રંથોના જણાવ્યા પ્રમાણે આ મંદિર જીવનની ઉત્પત્તિથી જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં વિશાળ બ્રહ્માંડીય શક્તિ અને માનવતાને ફરીથી જીવંત કરવાની પ્રંચડ શક્તિ સમાયેલી છે. આ મંદિરમાં દર્શન કરવાથી ભગવાન શિવ તેમના ભક્તોને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે અને આશીર્વાદ આપે છે. તેમ કરવાથી ભક્તના જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થઇ જાય છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે આદિ કુંભેશ્વર મંદિર વિમાન માર્ગ દ્વારા જવા માંગતા હોવ તો, આ મંદિરથી સૌથી નજીકનું એરપોર્ટ તિરુચિરાપલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, જે મંદિરથી અંદાજિત 100 કિમી.ની આસપાસ છે. અહીંથી સરકારી અને ખાનગી વાહનો તમને મંદિર સુધી લઇ જાય છે. આ સિવાય જો તમે રેલ માર્ગે અહીં આવવા માંગતા હોવ તો નજીકનું રેલવે સ્ટેશન કુંભકોણમ જંક્શન છે. તમને ત્યાંથી પણ સરકારી અને ખાનગી વાહનો મળી જાય છે. જો તમે સડક માર્ગે આદિ કુંભેશ્વર આવવા માંગતા હોવ તો સમગ્ર તમિલનાડુમાંથી કુંભકોણમ સુધી બસ આવતી હોય છે. વધુમાં કેટલાંક રાજ્યોમાંથી પણ તમિલનાડુ માટે સરકારી વાહનો અને ખાનગી વાહનો પણ મળી જાય છે.


