પીપાવાવમાં નદી અને દરિયા કિનારે ચેતવણી આપતા સાઇન બોર્ડ લગાવાયા
ભારે વરસાદની આગાહીના પગલે મરીન પોલીસ સતર્ક
અગ્ર ગુજરાત, રાજુલા
ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાનમાં રાખીને નદીના વહેતા પ્રવાહ અને દરિયાના ઊંડા પાણીમાં થતી સંભવિત દુર્ઘટનાઓને અટકાવવા માટે પીપાવાવ મરીન પોલીસ દ્વારા સ્થાનિક નદીકાંઠા અને દરિયા કિનારાના જોખમી વિસ્તારોમાં વિશેષ સૂચના અને ચેતવણી દર્શાવતા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. રાજુલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના સીધા માર્ગદર્શન હેઠળ મરીન પીપાવાવ પોલીસ દ્વારા સ્થાનિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ ટીમે વિસ્તારના મુખ્ય અને વધુ જોખમી ગણાતા સ્થળો જેવા કે વિકટર જેટી, ચાંચ ગામના દરિયા કિનારો, ભચાદર રેલવે ગરનાળુ, પીપાવાવધામ તેમજ સમઢિયાળા પુલ નજીકના નદી વિસ્તાર સહિતની તમામ જગ્યાઓ પર સાવચેતી રાખવા માટેના સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા હતા. આ બોર્ડ દ્વારા નાગરિકોને જોખમી સ્થળોથી માહિતગાર કરી સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. પીપાવાવ મરીન પોલીસ દ્વારા તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, ચોમાસા દરમિયાન દરિયાકાંઠે તથા નદી કિનારે બિનજરૂરી અવર-જવર કરવી નહીં. આ ઉપરાંત નદી કે દરિયાના ઊંડા પાણીમાં ન્હાવા માટે પડવું નહીં તેમજ પાણીના તેજ પ્રવાહમાં ઉતરવાનું કોઈ પણ પ્રકારનું જોખમ લેવું નહીં. કોઈપણ અનિચ્છનીય બનાવ કે મોટી દુર્ઘટના ન બને તે માટે તમામ સ્થાનિક લોકો અને પ્રવાસીઓને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા મરીન પીપાવાવ પોલીસ દ્વારા જણાવાયું હતું.


