(1) કારતક માસ : આ માસ સઘળા માસોમાં શ્રેષ્ઠ છે. આ માસ દાન-પૂજનનો માસ છે. કરવાચોથ, ગોવત્સદ્ધાદશી, નરક ચતુર્દશી, દેવોની એકાદશી, તુલસીવિવાહ, વૈકુંઠ ચતુર્દશી, કારતક પૂર્ણિમા વગેરે આ માસના ઉત્સવ છે. આ માસ પ્રકાશ પર્વથી દીપદાનને માટે જાણીતો છે. દરરોજ ચણાનું દાન, ગૌસેવા, ગૌગ્રાસ, ધાન્ય, બીજ, ચાંદી, દીપ, મીઠું વગેરેનું દાન કરવું જોઇએ.
(2) માર્ગશીર્ષ માસ : માગસર માસને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે. આ માસમાં ગોળ તથા મીઠાના દાનનો વિશેષ મહિમા છે. કપાસ, સૂતરનાં વસ્ત્ર વગેરેના દાનનો પણ મહિમા છે.
(3) પોષ માસ : આ માસમાં ધનુની સંક્રાંતિ હોય છે. ધનુર્માસ સંબંધી ઉત્સવ પણ હોય છે. પોષ પૂર્ણિમાથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે. આ માસના રવિવારનું વ્રત કરવાથી સૂર્યની આરાધના થાય છે. સૂર્યને અર્ધ્ય દાન અપાય છે. તલ, ગોળનું દાન કરાય. ઊનનાં વસ્ત્ર, ધાબળો, ગાય, વસ્ત્ર, ધાન્ય, લવણ, ગોળ, ચાંદી, ઘૃત વગેરેનું દાન કરાય.
(4) માઘ માસ : માઘ (મહા) માસ સ્નાન, દાન, પૂજન તથા નામજપથી અને સત્સંગપૂર્વક રાત્રિ જાગરણનો માસ છે. દાન માટે આ માસ શ્રેષ્ઠ છે. મકરસંક્રાંતિ, ષટ્તિલા એકાદશી, મૌની અમાસ, વસંતપંચમી, અચલા સપ્તમી, માઘી પૂર્ણિમા એ આ માસનાં પર્વ છે. મીઠું, હળદર, તલ, ગોળ, ખીચડી, અગ્નિ વગેરેનું દાન આ માસમાં કરવાથી મહાફળ મળે છે.
(5) ફાગણ માસ : કુંભનો સૂર્ય અથવા ફાગણ માસમાં દરરોજ ધાન્ય અને ગાયને માટે જળ તથા ઘાસચારાનું દાન કરવું જોઈએ. આસન અને પાથરવા માટેનાં વસ્ત્ર કે ઉપકરણનું દાન પણ ઉત્તમ ગણાય છે. વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા માટે આ માસમાં ધાન, ગાય, વસ્ત્ર વગેરેના દાનની મહત્તા રહેલી છે.
(6) ચૈત્ર માસ : સંવત્સર(વર્ષ)નો પ્રારંભ ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી થાય છે. આ તિથિથી પિતામહ બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણનો પ્રારંભ કર્યાે હતો. વળી, આ તિથિએ ભગવાને મત્સ્ય રૂપમાં અવતાર ધારણ કર્યો હતો. આ દિવસ પંચાંગ શ્રવણ હોય છે. પંચાંગ શ્રવણ અન્વયે પંચાંગનું દાન કરવું જોઇએ. તેમાં નવરાત્રી સંબંધી પૂજન તથા દાનયજ્ઞ થાય છે. આ માસમાં ઘઉંનો પાક અને કેરીનું ફળ તૈયાર થતું હોવાથી સંકલ્પપૂર્વક ઘઉં તથા આમ્રફળનું દાન કરવું જોઇએ. આ માસ દરમિયાન દરરોજ સુવર્ણ વગેરે અથવા માટીનું જળપાત્ર કે વાસણોનું દાન કરવું જોઇએ. આવા દાનથી ભગવાન સૂર્ય તથા વરુણદેવતા પ્રસન્ન થાય છે અને વર્ષભર આરોગ્ય પ્રદાન કરે છે. ભવિષ્યપુરાણ અનુસાર આ માસમાં જળ, અન્ન, શય્યા, ઘઉં, હળદર, દહીં-ભાત અને કેરીનું દાન કરવું જોઈએ. કમંડળનું પણ દાન કરી શકાય છે.
(7) વૈશાખ માસ : વૈશાખ માસ (માધવ માસ) સર્વશ્રેષ્ઠ છે. આ માસ ભગવાન વિષ્ણુને વિશેષ પ્રિય છે. આ માસમાં જળદાનનો મહિમા છે. પાણીની પરબ લગાવી શકાય. જળ, છત્રી, પંખો, પાદુકા, દહીંનો મઠ્ઠો, આંબાનાં પાન અને કેરીનું શરબત વગેરેનું દાન કરવું જોઇએ.
(8) જયેષ્ઠ માસ : આ માસમાં ગ્રીષ્મથી રક્ષણ આપનાર પદાર્થોનું દાન કરવું જોઇએ. આ માસનાં મુખ્ય પર્વો છે – વટસાવિત્રી વ્રત, ગંગા દશહરા, નિર્જળા એકાદશી, તેથી આ પર્વો સંબંધિત પદાર્થોનું દાન કરવું જોઇએ. દહીં અને ભાત, જળ, પીપળાનું મૂળ, પગરખાં, ગોદાન, અન્ન, કુંભદાન. પંખાદાન, છત્રદાન વગેરે કરવાનો વિશેષ મહિમા છે.
(9) અષાઢ માસ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા તથા ગુરુપૂર્ણિમા અષાઢ માસનાં મુખ્ય બે પર્વો છે. આ માસમાં આમલક (આંબળાં)ના દાનનું વિશેષ માહાત્મ્ય છે. પૂર્ણિમાએ કપૂર સાથે ચંદન તથા ગ્રંથ (પુસ્તક)નું દાન કરવું જોઇએ. વસ્ત્ર, અન્ન, જળ, પગરખાં, છત્રી, મીઠું તેમજ વેદ, અઢાર પુરાણો, ગીતાજી, રામાયણ, મહાભારત, સ્મૃતિઓ વગેરેનું દાન કરવું જોઇએ.
(10) શ્રાવણ માસ : આ માસ શંકર ભગવાનને અતિ પ્રિય છે, તેથી શિવજીને અભિષેક વગેરે તથા શ્રાવણી સોમવારનું વ્રત રાખવાનું પણ માહાત્મ્ય છે. આ માસમાં દરેક મંગળવાર મંગલાગૌરી વ્રત તથા વ્રત સંબંધી દાન પૂજન વગેરે થાય છે. અશૂન્ય શયનવ્રત, ત્રીજ, નાગપાંચમ, રક્ષાબંધન, શ્રાવણી-ઉપાકર્મ એ આ માસનાં મુખ્ય પર્વ છે. આ માસ પૂજન, દાન તથા સ્વાધ્યાયનો માસ છે. આ માસમાં દરરોજ લીલાં શાકભાજીનું દાન કરવું. નૌકાદાન, વસ્ત્ર, દૂધ, રત્ન, અન્ન, યજ્ઞોપવીત, ખીર વગેરેનું દાન કરવું જોઇએ.
(11) ભાદ્રપદ માસ : આ વ્રત-પર્વોનો માસ છે. તેમાં ગણેશ ચતુર્થી, ઋષિપંચમી, રાધાષ્ટમી, વામનદ્વાદશી, અનંત ચતુર્દશી વગેરે પર્વો આવે છે. સિંહની સંક્રાંતિ કે ભાદ્રપદમાં દરરોજ ખીર અને મધનું દાન કરવાની એક વિધિ છે. વિવિધ રૂપે દૂધ, શર્કરા, મધ, છત્રી વગેરેના દાનનો આ માસમાં મહિમા છે.
(12) આશ્વિન માસ : કન્યાના સૂર્ય યા આસોમાં દરરોજ તલ અને ઘૃતનું દાન કરવું. આ માસમાં રોગની શક્યતા વધુ રહે છે, તેથી આરોગ્યને લગતી ઔષધીનું દાન કરવું. પિતૃઓનાં પિંડદાન અને શ્રાદ્ધકર્મ કરવાં. માતા-પિતા વગેરે પૂર્વજોની તિથિઓ પર તેમના નિમિત્તે બ્રહ્મભોજન, અન્ન, વસ્ત્ર, દક્ષિણાનું દાન કરવું. નવરાત્રિ પર્વનું વ્રત, પાઠ, પૂજન, હવનદાન વગેરે કરવું. કુમારી કન્યાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન, વસ્ત્ર તથા દક્ષિણા દાન કરવું. શરદપૂર્ણિમાએ ખીર અને પૌંઆનું દાન કરવું.


