ગુજરાત અને સમગ્ર ભારત માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, વર્ષ 2030ના શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ, ભારત કરશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભારતનું ડેલિગેશન આ મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે ગ્લાસગો પહોંચ્યું હતું. આ ગૌરવપૂર્ણ યજમાની મળતા ભારત બીજી વખત આ ગેમ્સ યોજવાનું ગૌરવ પ્રાપ્ત કરશે, અગાઉ ભારતે 2010માં નવી દિલ્હી ખાતે આ ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ પાઠવી અનોખી રીતે શુભકામનાઓ
અમદાવાદને યજમાની મળતાની સાથે જ સમગ્ર દેશમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સમગ્ર દેશને અનોખી રીતે અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ શુભકામના પાઠવતા લખ્યું કે, ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે બિડ જીતી લીધી છે તેનો આનંદ છે! ભારતના લોકો અને રમતગમત ઇકોસિસ્ટમને અભિનંદન.
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાન આપ્યું છે. વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંતો સાથે, આપણે આ ઐતિહાસિક રમતોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા આતુર છીએ. આપણે દુનિયાનું સ્વાગત કરવા આતુર છીએ! વડાપ્રધાને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ના સિદ્ધાંત સાથે વિશ્વનું સ્વાગત કરવાની ભાવના વ્યક્ત કરીને આ ગેમ્સને માત્ર રમતગમત નહીં, પરંતુ વૈશ્વિક એકતાનો ઉત્સવ બનાવવાનો સંકેત આપ્યો છે.
કઈ રમતોનો થશે સમાવેશ?
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 2030ની આ ગેમ્સમાં કુલ 15થી 17 સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 8 સ્પોર્ટ્સ સત્તાવાર રીતે નક્કી થઈ ચૂક્યા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- • એથ્લેટિક્સ
- • સ્વિમિંગ
- • ટેબલ ટેનિસ
- • બાઉલ્સ
- • વેઇટલિફ્ટિંગ (તમામમાં પેરા સ્પોર્ટ્સ સહિત)
- • આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ
- • નેટબોલ
- • બોક્સિંગ


