સંસદના શિયાળુ સત્ર દરમિયાન 8 ડિસેમ્બરે વંદે માતરમ પર ચર્ચા થશે. વડા પ્રધાન મોદી તેની શરૂઆત કરશે. આ માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ફ્લોર નેતાઓ સાથે બેઠક યોજી હતી, જ્યાં બુધવારથી લોકસભાની કાર્યવાહી સુગમ અને વિક્ષેપો વિના ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓમ બિરલાના ચેમ્બરમાં યોજાઇ હતી બેઠક
લોકસભાના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ SIR મુદ્દા પર હોબાળો થયો હતો અને આજે લોકસભામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. વિપક્ષના હોબાળાને કારણે કોઈ કામકાજ થઈ શક્યું નહીં. દરમિયાન સંસદના શિયાળુ સત્ર દરમિયાન આવતીકાલથી લોકસભાની કાર્યવાહી વિક્ષેપો વિના ચલાવવા માટે એક કરાર થયો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના ચેમ્બરમાં યોજાયેલી ફ્લોર નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન, ઘણા પક્ષો ગૃહની કાર્યવાહી નિયમિત રાખવા અને ગંભીર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સંમત થયા હતા.
8 ડિસેમ્બરે ‘વંદે માતરમ’ પર ચર્ચા
બિઝનેસ એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 8 ડિસેમ્બરે લોકસભામાં ‘વંદે માતરમ’ પર વિગતવાર ચર્ચા થશે. આ ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ચર્ચાનું ઉદ્ઘાટન કરશે. એવી અપેક્ષા છે કે આ ચર્ચા આધુનિક ભારતમાં રાષ્ટ્રગીતના ઇતિહાસ, મહત્વ અને ભૂમિકા પર કેન્દ્રિત હશે.
9અને 10 ડિસેમ્બરે ચૂંટણી સુધારા SIR પર ચર્ચા થશે
એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે 9 ડિસેમ્બરે ચૂંટણી સુધારા પર ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવશે. સરકાર અને વિપક્ષ બંને આ બાબતે પોતાના મંતવ્યો રજૂ કરશે. ચર્ચા પૂર્ણ થયા પછી 10 ડિસેમ્બરે સરકાર વતી કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ જવાબ આપશે.
સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થશે
સંસદનું શિયાળુ સત્ર જે 1 ડિસેમ્બરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે, તેમાં 15 બેઠકો હશે. લોકસભામાં પહેલા બે દિવસ પહેલાથી જ હોબાળા વાળા જ રહ્યા.


