અમદાવાદના વિરાટનગરમાં બ્રિજ નજીકના કોમ્પલેકસની દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગની ચપેટમાં પાંચેક દુકાનો આવી ગઈ હતી. સમગ્ર ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.આ આગ લાગવા મુદ્દે ખુલાસો સામે આવ્યો હતો જેમાં કેમિકલનું આગથી ટેસ્ટિંગ કરવા જતાં આગ ભભૂકી હતી. 13 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.
BU નથી અને બિલ્ડિંગ વપરાશ લાયક નથી
અમદાવાદમાં વ્રજ કોમ્પલેક્સમાં લાગેલી આગની ઘટના બાદ મહાનગર પાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. આ કોમ્પલેક્સની 58 દુકાનોને એક ઝાટકે સીલ મારી દીધું હતું. આ બિલ્ડિંગનું બીયુ નહીં હોવાથી દુકાનો સીલ કરાઈ હતી. આ બિલ્ડિંગ આસપાસના એકમો માટે ભયજનક હોવાનું સામે આવ્યું છે. આટલા વર્ષો સુધી આ બિલ્ડિંગ ધમધમતુ હતું પણ મનપાને હવે ખ્યાલ આવ્યો કે આ બિલ્ડિંગનું BU નથી અને બિલ્ડિંગ વપરાશ લાયક નથી.
ઓઈલ ભરેલી દુકાનમાં આગ લાગી હતી
ગઈકાલે સમગ્ર ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું હતું કે,ઓઈલ ભરેલી દુકાનમાં આગ લાગી હતી.250 લિટર ફોર્મથી આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર ફાઈટરની 13 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે અને હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. હવે આ કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટિ છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાશે. ફાયરના જવાનોએ સીડી મુકીને પહેલા અને બીજા માળની દુકાનોમાં તપાસ શરૂ કરી છે.


