ગોકુલધામ આવાસ યોજનામાં દુષિત પાણી વિતરણ, સ્થાનિકોમાં ભારે રોષ
રજૂઆત કરવા છતાં પણ ગંદકી યુકત પાણી મળતુ હોવાથી લોકો ત્રાહીમામ : આરોગ્ય જોખમમાં હોવાની વ્યથા ઠાલવતા રહેવાસીઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ઘણા સમયથી દુષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ સતત વધી રહી છે. તંત્ર દ્વારા શૃધ્ધ પાણીના દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગોકુલધામ વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં દુષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. દુષિત પાણીથી વિસ્તારવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયાની રાવ કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં શુદ્ધ અને પૂરતું પાણી પૂરું પાડવાના પોકળ દાવાઓ વચ્ચે પ્રજાની વાસ્તવિકતા અત્યંત ભયાનક અને કડવી સાબિત થઈ રહી છે. શહેરના ગોકુલધામ વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના મકાનોમાં છેલ્લા કેટલાક સમયથી અત્યંત દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું હોવાથી સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
એક તરફ રાજકોટના મેયર દ્વારા શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના મોટા-મોટા બણગાં ફેંકવામાં આવે છે, તો બીજી તરફ હકીકત સાવ વિપરીત ચિત્ર રજૂ કરે છે. ગોકુલધામ આવાસના રહીશોના ઘરોમાં જે પાણી આવી રહ્યું છે તે પીવા તો દૂર, વાપરવા યોગ્ય પણ નથી. તંત્રની આ ઘોર નિષ્ફળતાને કારણે મેયરના શુદ્ધ પાણીના વાયદાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
નળમાંથી નીકળતા દુર્ગંધ મારતા દૂષિત પાણીના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ ઊભી થઈ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થતાં રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ મનપાના બહેરા તંત્રના કાને જૂ પણ સરકતી નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં પાલિકા શાસકો અને અધિકારીઓ સામે ભારે જનઆક્રોશ ભભૂકી રહ્યો છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


