સુપ્રીમ કોર્ટે આજે BLOની કામગીરીને લઈને મોટી રાહત આપી. કોર્ટે BLOની કામગીરી મામલે માનવતાવાદી ધોરણે છૂટ આપવા રાજ્ય સરકારોને અપીલ કરી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈનાત બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજ્યોને અનેક નિર્દેશો જારી કર્યા. કોર્ટે રાજ્ય સરકારોને BLO પર કામના કલાકો ઘટાડવા, તેમજ SIRની કામગીરીમાં વધુ ફોર્સ લગાડવા સૂચન કર્યું.
સુપ્રીમ કોર્ટે ત્રણ સ્પષ્ટ નિર્દેશો આપ્યા
CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અથવા રાજ્ય ચૂંટણી પંચો દ્વારા ECI હેઠળ SIR સહિત વૈધાનિક ફરજો બજાવવા માટે નિયુક્ત કરાયેલા કર્મચારીઓ આવી ફરજો બજાવવા માટે બંધાયેલા છે. સુપ્રીમ કોર્ટે બીએલઓ પર કામનું દબાણ ઘટાડવા માટે ત્રણ સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. તાજેતરમાં મેરઠમાં કામના ભારણના કારણે બીએલઓ મોહિત ચૌધરીએ જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જયારે હાથરસ જિલ્લાના સિકંદરાવ શહેરમાં વધુ એક BLO કમલકાંત શર્માનું મોત થયું હતું.


