બહુચરાજી યાત્રાધામમાં યાત્રીકોને શુધ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે માટે મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝુંબેશ હાથ ધરી છે. બુધવારે બહુચરાજી સ્થિત રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસ, પાણી પુરી, ફેરીયા, પ્રસાદ સ્ટોર્સ મળી 15 જેટલી દુકાનોની તપાસ કરી શંકાસ્પદ 16 નમુના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધા હતા. હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસમાં શુધ્ધ અને સાત્વીક અને હાઈઝેનીક સ્થિતિમાં ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ફુડ વિભાગ ટીમ સતત કાર્યરત બની છે. આ માટે અનેક દુકાનોમાં શંકાસ્પદ નમુનાઓ લઈ પૃથ્થકરણ માટે નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવશે. સરકારની સુચના મુજબ યાત્રાધામમાં યાત્રીકોને શુધ્ધ અને સાત્વીક નાસ્તા અને જમવાનું મળી રહે તે માટે દુકાનદારોએ કાળજી લેવી પડશે. અન્યથા હલકો કે વાસી ખોરાક પીરસનાર રેસ્ટોરન્ટ કે નાસ્તા હાઉસોને સીલ મારવામાં આવશે. મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે બુધવારના રોજ 15 દુકાનોમાં આકસ્મિક તપાસ કરી વિવિધ ખાદ્ય પદાર્થોના 16 નમુનાઓ લીધા હતા. અગાઉ 20, નવેમ્બરના રોજ તમામ પ્રસાદ સ્ટોર્સની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત અનંત અનાદી વડનગર હેરીટેઝનો દરજ્જો ધરાવતી હોવાથી અવાર નવાર દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. જેઓ સ્ટ્રીટફુડનો આનંદ માણતા હોઈ તેઓને શુધ્ધ અને સાત્વીક ખોરાક મળી રહે તે હેતુથી 15, નવેમ્બરના રોજ 18 રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસની તપાસ કરી 24 કિલો ગ્રામ અખાદ્ય ખોરાકનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં અખાદ્ય પદાર્થ વેચતી 3 પેઢીઓને ફુડ નોટીસ પણ આપવામાં આવી છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


