નર્મદા જિલ્લામાં મોક્ષદા એકાદશી એટલે કે ગીતા પ્રાગટય દિવસ નિમિત્તે જિલ્લામાં ત્રણ તાલુકાની શાળાઓ 1. રોશની માધ્યમિક શાળા, ગરૂડેશ્વર,2. કે. એમ. શાહ શાળા, તિલકવાડા અને 3. આદર્શ નિવાસી શાળા, નાંદોદમાં ભગવદગીતા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરતથી આવેલા પુર્ણકાલીન ભગવદ્ ગીતાના પ્રચારક કેશવ શ્યામ સુંદરદાસ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ,રાજપીપળાના નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ સોની અને અન્ય દાતાઓના સહયોગથી ત્રણ શાળાઓમા આશરે 1000 ભગવદ્ગીતાની તેના મૂળ રૂપની આવૃત્તિ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેશવ શ્યામ સુંદરદાસજી દ્વારા વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા અંગે સમજણ આપીને ગીતાનો સાર પણ સમજાવવામાં આવ્યો હતો અને હરે રામ… હરે કૃષ્ણની ધુન પણ બોલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રીલ પ્રભુપાદ દ્વારા સ્થાપિત ઇસ્કોન એટલે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભવનામૃત સંઘ દ્વારા વિશ્વની લગભગ 100 ભાષાઓમાં ભગવદ્ ગીતા પ્રકાશિત કરાઇ છે. જેમાં 18 અધ્યાય 700 શ્લોકોના શબ્દાર્થ, અનુવાદ અને ભાવાર્થ સમજાય એવી સરળ ભાષામાં આપવામાં આવ્યા છે.
https://sandesh.com/maru-saher-maru-gaam


