ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી દિવસોમાં ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ, ટીમ ઈન્ડિયાના ઉભરતા સુકાની શુભમન ગિલને સીધું પ્રમોશન આપીને ‘A+’ ગ્રેડમાં સામેલ કરવામાં આવી શકે છે, જેનાથી તેમનો પગાર વિરાટ કોહલી અને રોહિત શર્માની બરાબરીએ પહોંચી જશે. બીજી તરફ, માત્ર વન-ડે ફોર્મેટમાં સક્રિય એવા દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટોચના ગ્રેડમાં ચાલુ રાખવા કે કેમ તે અંગે સસ્પેન્સ સર્જાયું છે.
રોહિત અને વિરાટના ગ્રેડ પર ચર્ચા થઈ શકે છે
મીડિયા રિપોર્ટ અનુસાર BCCI એપેક્સ કાઉન્સિલની સામાન્ય સભા ઓનલાઈન યોજાશે, જ્યાં રોહિત અને વિરાટ, જેમણે ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તેઓ A+ ગ્રેડમાં રહેવા જોઈએ કે A ગ્રેડમાં ડિમોટ થવા જોઈએ તે અંગે ચર્ચા થવાની સંભાવના છે.
ગ્રેડ બદલાશે, પગાર ઘટશે!
મીડિયા રિપોર્ટ અનુસાર, રોહિત અને વિરાટના ગ્રેડમાં ડિમોટ થવાની સંભાવના છે. આનો અર્થ એ છે કે તેમને A+ ગ્રેડમાંથી A ગ્રેડમાં ડિમોટ કરવામાં આવી શકે છે, જે તેમના વાર્ષિક પગાર પર પણ અસર કરશે. BCCIના કેન્દ્રીય કરાર હેઠળ, A+ ગ્રેડમાં રહેલા ખેલાડીઓને વાર્ષિક રૂ7 કરોડ પગાર મળે છે, જે હાલમાં રોહિત અને વિરાટનો પગાર છે. જોકે, જો સુધારા પછી તેમને A ગ્રેડમાં બઢતી આપવામાં આવે છે, તો તેમનો પગાર વધીને રૂ. 5 કરોડ થશે.
શુભમન ગિલને મોટો ફાયદો જોવા મળી શકે છે
મીડિયા રિપોર્ટ અનુસાર શુભમન ગિલને બઢતી મળી શકે છે. ગિલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને હાલમાં BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ A ગ્રેડમાં છે. જોકે, 22 ડિસેમ્બરે યોજાનારી સામાન્ય સભામાં તેમના ગ્રેડમાં વધારો થવાની શક્યતા છે. આનો અર્થ એ થયો કે તેમને A ગ્રેડથી A+ ગ્રેડમાં બઢતી મળી શકે છે.જો આવું થાય, તો સ્પષ્ટ છે કે તેમને ઘણો ફાયદો થશે. તેમના વાર્ષિક પગારમાં રૂ 2 કરોડનો વધારો થશે. શુભમન ગિલ, જે A ગ્રેડમાં ₹5 કરોડ કમાતા હતા, તેમને A+ ગ્રેડમાં જતા રૂ 7 કરોડ મળવાનું શરૂ થશે.


