કેરળમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વવાળી UDF અને ડાબેરી મોરચા LDF વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી રહી છે. આવા રાજકીય માહોલ વચ્ચે એક નામે ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું — ભાજપની ઉમેદવાર સોનિયા ગાંધી.
મેદવાર સોનિયા ગાંધી કોણ છે ?
મુન્નારના નલ્લાથન્ની વોર્ડ (વોર્ડ નં. 16)માંથી ચૂંટણી લડનાર 34 વર્ષીય સોનિયા ગાંધી પોતાના નામને કારણે શરૂઆતથી જ ચર્ચામાં રહી. કોંગ્રેસની ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે નામ મળતું આવતા સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ઘણા લોકો એ પ્રશ્ન પણ પૂછતા હતા કે “શું ખરેખર કોંગ્રેસની સોનિયા ગાંધી ચૂંટણી લડી રહી છે?” પરિણામો આવ્યા બાદ સ્પષ્ટ થયું કે આ સોનિયા ગાંધી ભાજપના સ્થાનિક ઉમેદવાર હતા. મતગણતરીમાં LDFના ઉમેદવાર વલારમથીએ સ્પષ્ટ લીડ મેળવી અને સોનિયા ગાંધીને પરાજયનો સામનો કરવો પડ્યો.
કોની સામે અને કઈ બેઠક પરથી હાર?
સોનિયા ગાંધીએ મુન્નારના નલ્લાથન્ની વોર્ડથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તેમનો મુખ્ય મુકાબલો LDF ઉમેદવાર વલારમથી સાથે થયો, જેમાં અંતે વલારમથીએ જીત મેળવી. ‘સોનિયા ગાંધી’ નામ ભારતીય રાજકારણમાં ખૂબ જાણીતું છે. આ નામ ભાજપના ઉમેદવાર સાથે જોડાતાં જ લોકોમાં ગેરસમજ અને આશ્ચર્ય ફેલાયું. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા શરૂ થઈ અને આ ઉમેદવાર કેરળની સીમા પાર કરીને રાષ્ટ્રીય હેડલાઇન્સમાં આવી ગઈ.
કોંગ્રેસ પૃષ્ઠભૂમિથી ભાજપ સુધીનો સફર
સોનિયા ગાંધીનો જન્મ કોંગ્રેસની મજબૂત રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાં થયો હતો. તેમના પિતા સ્વ. દુરૈરાજ નલ્લાથન્ની–કલ્લર વિસ્તારમાં જાણીતા કોંગ્રેસ નેતા હતા અને તેમણે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના આદરરૂપે પુત્રીનું નામ સોનિયા ગાંધી રાખ્યું હતું. લગ્ન પછી સોનિયા ગાંધીની રાજકીય દિશા બદલાઈ. તેમના પતિ સુભાષ એક સક્રિય ભાજપ કાર્યકર છે અને હાલમાં પંચાયતના મહાસચિવ તરીકે સેવા આપી રહ્યા છે. પતિના રાજકીય જોડાણને કારણે સોનિયા ગાંધી પણ ભાજપમાં જોડાયા અને પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી.
કેરળ ચૂંટણીનો વિશાળ પરિપ્રેક્ષ્ય
કેરળમાં કુલ 1,199 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી. પ્રારંભિક વલણો મુજબ ગ્રામિણ વિસ્તારોમાં LDF અને શહેરી વિસ્તારોમાં UDF આગળ હોવાનું જોવા મળ્યું. આ ચૂંટણીને 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા ‘સેમિફાઇનલ’ તરીકે જોવામાં આવી રહી છે. આવા માહોલમાં સોનિયા ગાંધીની હાર નાની લાગતી હોવા છતાં તેનો રાજકીય અને પ્રતીકાત્મક પડઘો દૂર સુધી પડ્યો છે.


