વિચાર શાબ્દિક સંવેદન છે. વિચાર શબ્દ, અનુભવ અને પ્રતિમા છે. વિચાર એ સ્મૃતિનો પ્રતિભાવ છે. વિચાર ક્ષણિક ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે, અનિત્ય છે અને તે શાશ્વતતા શોધે છે. આમ તો વિચાર વિચારકનું સર્જન કરે છે અને પછી તે કાયમી બની જાય છે. આ વિચારક કે વિચારનો નિયંત્રક, માર્ગદર્શક, અંકુશ રાખનાર અને વિચારને આકાર આપનાર બની બેસે છે. આ ભ્રામક કાયમી હસ્તિ વિચાર દ્વારા ઉત્પન્ન થઈ છે, અનિત્યમાંથી ઉત્પન્ન થઈ છે. આ હસ્તિ વિચાર છે; વિચાર વગર તેનું અસ્તિત્વ નથી. વિચારક અમુક ગુણવત્તાથી બને છે; તેની ગુણવત્તા ને સ્વભાવને તેનાથી અલગ કરી શકાતા નથી. નિયમન જ જેનું નિયામક બની જાય છે તે સ્વયંની સાથે જ સાવ છેતરામણી ભરેલી રમત રમે છે. જ્યાં સુધી અસત્યને અસત્ય તરીકે જોવામાં ન આવે ત્યાં સુધી સત્ય દેખાતું નથી.
વિચારની અભેદ્ય દીવાલ
`વિચારોનું તેના વિચારક સાથે તાદાત્મ્ય કેવી રીતે થઈ શકે?’ મરજી મુજબની ક્રિયા દ્વારા નહીં, ન તો શિસ્ત દ્વારા, કોઈ પણ સ્વરૂપના પ્રયત્ન, અંકુશ અથવા એકાગ્રતા દ્વારા નહીં, કે ન તો બીજા કોઈ સાધન દ્વારા એનું તાદાત્મ્ય થઈ શકે. સાધનોનો ઉપયોગ જાણે વચ્ચે કોઈ ક્રિયા કરનાર એજન્ટ (વચેટિયા) હોય તેવું સૂચવે છે, શું એવું નથી? જ્યાં સુધી કાર્ય કરનાર કર્તા હોય ત્યાં સુધી વિભાજન રહેશે જ. આવું તાદાત્મ્ય ત્યારે જ થઈ શકે કે જ્યારે મન શાંત થવાનો પ્રયત્ન ન કરતું હોય, પરંતુ સહજપણે પૂરેપૂરું શાંત હોય, વિચારકનો અંત આવે ત્યારે નહીં, પરંતુ જ્યારે ખુદ વિચારનો અંત આવે ત્યારે જ મનમાં એવી શાંતિ સ્થપાય છે. જ્યારે મન પૂર્વ સંસ્કારની પ્રતિબદ્ધતાથી પ્રગટતા પ્રતિભાવો એટલે કે વિચારોથી મુક્ત થવું જોઈએ. દરેક પ્રશ્નનો ઉકેલ ત્યારે જ આવે કે જ્યારે કલ્પના, તારણ ન હોય; નિષ્કર્ષ, કલ્પના, વિચાર મનને ઉત્તેજિત કરે છે. જ્યારે મન ઉત્તેજિત હોય ત્યારે સમજણ કેવી રીતે આવે? ગંભીરતા સ્વસ્ફૂર્તતાથી સૌમ્ય પણ શીઘ્રતાથી થવી જોઈએ. જો તમે તમને કહેવામાં આવ્યું તે બધું સાંભળ્યું હોય તો તમને એ ખબર પડી ગઈ હશે કે જ્યારે આપણે તેના આવવાની ધારણા ન કરી હોય એવી ક્ષણોમાં જ સત્ય આવે છે. હું એમ કહું કે મનથી દરેક ક્ષણે ખુલ્લા રહો, સંવેદનશીલ રહો, `જે છે’ તેનાથી સંપૂર્ણપણે સભાન માહિતગાર રહો. તમારી આસપાસ તમારા વિચારોની અભેદ્ય દીવાલ ઊભી ન કરો. જ્યારે મન પોતાની પ્રવૃત્તિઓ અને સંઘર્ષોમાં રોકાયેલું ન હોય ત્યારે તેને સત્યનો આશીર્વાદ મળે છે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/supplement


