સુરતના કાકરાપાર ડેમની નહેરમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત
એક ઊંડા પાણીમાં ગરકાવ થતાત્રણ બચાવવા પડતા કાળને ભેટયા : મૃતદેહોને પોસ્ટમોર્ટમમાં ખસેડાયા : પરિવારમાં માતમ
અગ્ર ગુજરાત, સુરત
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જાણીતા પ્રવાસન સ્થળ અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાતા કાકરાપાર ડેમમાં નહાવા પડેલા ચાર મિત્રના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. 11 મેની સાંજે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે સાંજના સમયે ચાર યુવાન કાકરાપાર ડેમની નહેરમાં નહાવા માટે ગયા હતા. નહાતી વખતે અચાનક એક યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને ડૂબવા માંડ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના ત્રણ મિત્ર તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે, પાણીનો પ્રવાહ અને ઉંડાઈ વધુ હોવાને કારણે ચારેય મિત્ર એકબીજાને બચાવવાની મથામણમાં પોતે જ મોતને ભેટ્યા હતા.
ઘટનાની જાણ આસપાસના લોકોએ તુરંત જ સ્થાનિક વહીવટી તંત્રને કરી હતી. સમાચાર મળતા જ માંડવી પોલીસ અને માંડવી ફાયર વિભાગની ટીમો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડી સાંજ સુધી ફાયર વિભાગના તરવૈયાઓ દ્વારા ડેમ અને આસપાસના નદીના વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
માંડવી પોલીસે ચારેય મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ યુવાનો સ્થાનિક વિસ્તારના જ રહેવાસી હતા, જેઓ મોજ-મસ્તી કરવા ડેમ પર આવ્યા હતા.


