ગોવાના ચર્ચિત નાઈટ ક્લબ અગ્નિકાંડ કેસમાં પોલીસની તપાસ સતત ઝડપી બની રહી છે. લૂથરા બ્રધર્સની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ તેમને માપુસા મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા, સુનાવણી દરમિયાન પોલીસે 7 દિવસની વધુ પોલીસ કસ્ટડીની માગ કરી પણ કોર્ટે માત્ર 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
લૂથરા બ્રધર્સ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજોની તપાસ બાકી
આ સિવાય નાઈટ ક્લબના ત્રીજા પાર્ટનર અજય ગુપ્તાને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે આ કેસની તપાસ બનાવટી હોવાના એન્ગલથી પણ કરવામાં આવી રહી છે. લૂથરા બ્રધર્સ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજોની તપાસ બાકી છે, આના આધારે આરોપીઓ સામે બનાવટી દસ્તાવેજોની કલમો પણ જોડવામાં આવી શકે છે. તેની વચ્ચે નાઈટ ક્લબમાં લાગેલી ભીષણ આગના એક અન્ય આરોપી અને બ્રિટિશ નાગરિક સુરિન્દ્ર કુમાર ખોસલાની વિરૂદ્ધ પણ સકંજો કસવાનો શરૂ થઈ ગયો છે. પોલીસે સેન્ટ્રલ એજન્સીઓના માધ્યમથી ખોસલાની વિરૂદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ આગની દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે.
ભારત લાવવા માટે જરૂરી આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા શરૂ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે સુરિન્દ્ર કુમાર ખોસલા ગોવામાં હાજર હતો, જો કે આશંકા છે કે તે આગામી દિવસે જ એટલે કે 7 ડિસેમ્બરે યૂનાઈટેડ કિંગડમમાં ફરાર થઈ ગયો છે, પોલીસે તેમને ભારત લાવવા માટે જરૂરી આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેન્ટ્રલ એજન્સીઓની સાથે તમામ ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સુરિન્દ્ર કુમાર ખોસલા અરપોરા સ્થિત ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબના માલિકોમાંથી એક છે.
પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે જમીન પર નાઈટ ક્લબ બન્યો હતો, તે જમીન સુરિન્દ્ર કુમાર ખોસલાને લીઝ પર આપવામાં આવી હતી. તેને લઈને અસલી માલિક પ્રદીપ ઘાડી અમોનકરની સાથે કાયદાકીય લડાઈ ચાલી રહી છે. આ મામલે પોલીસે અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. ધરપકડ કરેલા લોકોમાં નાઈટ ક્લબના માલિક સૌરભ લૂથરા, ગૌરવ લૂથરા, અજય ગુપ્તા અને 5 અન્ય આરોપી સામેલ છે. પોલીસનું કહેવું છે કે પુછપરછ અને દસ્તાવેજોની તપાસ બાદ આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે, હાલમાં તપાસ ચાલી રહી છે.


