તાઇવાનના દક્ષિણપૂર્વી/ દરિયાકાંઠાના શહેર તાઇતુંગમાં બુધવારે ભૂકંપના આચંકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી. અત્યાર સુધી જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. ભૂકંપના આચંકાને કારણે રાજધાની તાઇપેઇની ગગનચુંબી ઇમારતો હચમચી ગઈ હતી. ભૂકંપનું કેન્દ્ર તાઇતુંગ કાઉન્ટી હોલથી 10.1 કિલોમીટર ઉત્તર તરફ હતું અને તેની ઊંડાઈ 11.9 કિલોમીટર દૂર નોધાયું હતુ.
અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ
સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશન મુજબ તાઇપેઇ, કાઓશિયુંગ, તાઇચુંગ અને તાઇનાન સહિત અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હુઆલિયેન અને પિંગતુંગ કાઉન્ટીમાં તાઇવાનના સાત-સ્તરીય માપદંડ મુજબ ભૂકંપની તીવ્રતા ચાર નોંધાઈ હતી. કાઓશિયુંગ, નાંતૌ, તાઇનાન, ચિયાઈ કાઉન્ટી, યુનલિન, ચિયાઈ શહેર અને ચાંઘુઆમાં સ્તર 3 જ્યારે તાઇચુંગ, મિયાઓલી, યિલાન, હસિંચુ કાઉન્ટી, તાઓયુઆન, ન્યૂ તાઇપે અને તાઇપેઇમાં સ્તર 2ની તીવ્રતા નોંધાઈ હતી.
2016માં આવેલા ભૂકંપે અનેક લોકોના જીવ લીધા
ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તાઇપેઇમાં ઊંચી ઇમારતો લાંબા સમય સુધી હલતી રહી, જેના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો અને તેઓ ઘરો તથા ઓફિસોમાંથી બહાર નીકળી આવ્યા. હકીકતમાં, તાઇવાન બે ટેક્ટોનિક પ્લેટ્સની નજીક આવેલું હોવાથી અહીં અવારનવાર ભૂકંપ આવે છે. ઉલ્લેખનીય છે કે 2016માં તાઇવાનમાં 7.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 1999માં આવેલા ભૂકંપમાં 2000થી વધુ લોકોના જીવ ગયા હતા.
આ પણ વાંચોઃશાંતિ સમજૂતી પર ઝેલેન્સ્કી ઝૂકવા તૈયાર નહીં, રશિયાના જવાબની રાહ


