31 ડિસેમ્બર અને તા.1 જાન્યુઆરીએ કમોસમી વરસાદ પડશે : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલની આગાહીમાં હવામાન વિભાગે પણ સૂર પૂરાવ્યો : ઘંઉ, જીરૂ અને રાયડાને નુકશાનની ભીતિ
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વર્ષના અંતે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે 31ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે, જેને કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરૂ અને રાયડાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.
એક તરફ રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે નલિયા 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે. નવા વર્ષની ઉજવણી પૂર્વે જ વરસાદી માહોલ સર્જાવાના એંધાણ અને વાતાવરણમાં પલટો આવવાની અને લોકોમાં બીમારીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વર્તાઈ રહી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ફરી એકવાર માવઠાના વરસાદની આગાહી કરવામાં આવી છે. વર્ષ 2025ની વિદાય અને 2026ની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની અસર ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. 30 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને આકાશ વાદળછાયું રહેશે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 આ બે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાંપટા પડી શકે છે.
કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય ઝાપટા પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર શિયાળામાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. રાધનપુર, સુઈગામ, મહેસાણા,પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, ડીસા,ગાંધીનગર,અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગરમાં વાતાવરણમા પલટો આવશે. 6થી 14 જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે. જ્યારે 11થી 18 જાન્યુઆરી સુધી આકરી ઠંડી પડશે.
2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ
વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ (Cold Wave) આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતાં ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
માર્ચ મહિના સુધી વાતાવરણમાં બદલાવ આવશે
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં માર્ચ મહિના સુધી વાતાવરણમાં બદલાવ આવશે. ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ મુસાફરીમાં વિલંબ થશે. વિઝિબિલિટી ઘટતાં અકસ્માતની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. ઉત્તરાયણ આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના દિવસે બપોર પછી પવનની દિશા બદલાશે અને વાતાવરણમાં ફેરફાર થશે.


