-: FII ની સતત વેચવાલી થી શેરબજારનું મોરલ તૂટ્યું છે :-
-: રૂપિયાના અવમૂલ્યન પાછળ એફ.આઈ.આઈ ની ભારતીય શેરબજારમાં વેચવાલી મુખ્ય કારણ :-
-: અમેરિકા સાથેની ટ્રેડ ડીલ માં વિલંબ થી શેરબજાર પર દબાવ :-
-: ટેરીફ ના પ્રશ્નોનો જો સમાધાન નહીં થાય તો નિકાસની સ્થિતિ ખરાબ થવાની શક્યતા :-
-: બજેટમાં એક્સપોર્ટરો ને ઈન્સેન્ટિવ અથવા અન્ય રાહતની પ્રબળ સંભાવના :-
-: આવનારા ત્રિમાસિક પરિણામો એટલે કે ક્વાર્ટર ત્રણ ના કોર્પોરેટસ ના રીઝલ્ટ પણ મહત્વના સાબિત થશે :-
આવનારા કેન્દ્રીય બજેટમાં એટલે કે 2026-27 ના બજેટમાં દેશના સામાન્ય નાગરિકો માટે ઉપરાંત કોર્પોરેટ્સ અને ખાસ કરીને શેરબજારના રોકાણકારો માટે શું નવું આવશે તેની ચર્ચા બજેટ ના એક મહિના પહેલા જ શરૂ થઈ ગઈ છે. હાલમાં શેર બજારની સ્થિતિ હાલક-ડોલક છે. ભલે નિફ્ટી- સેન્સેક્સ ની સપાટી જળવાયેલી છે પરંતુ, મીડકેપ અને સ્મોલકેપ ની હાલત જોઈએ,તેવી સારી તો નહીં બલકે ખરાબ જોવા મળી રહી છે. આવનારા એકાદ અઠવાડિયા પછી કવાટર ત્રણના પરિણામો જાહેર થશે. જે શેરબજાર માટે ખૂબ જ મહત્વના સાબિત થશે.
ખાસ કરીને જી.એસ.ટીના ઘટાડા પછી જે રીતે ઓટો થી લઈને દરેક વસ્તુ ઓ માં જે રીતે ખરીદી થઈ છે,તે જોતા આંકડાઓ સારા આવવાની શક્યતા પૂરેપૂરી છે. વ્યાજદરો ના ઘટાડાની અસર પણ જોવા મળશે.
જો બજેટમાં લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ ટેક્સમાં વધારો જાહેર થશે,તો બજાર માટે ખૂબ જ કપરો અને અઘરો સાબિત થશે. જો વ્યાજદરો યથાવત રહેશે તો બજારમાં ખાસ કોઈ વધઘટ જોવા નહીં મળે,પરંતુ જો શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ ટેક્સ માં રાહત આપવામાં આવશે તો બજારમાં તેજી ફાટી નીકળશે. પરંતુ ટેક્સ માં ઘટાડાની શક્યતા નહીંવત છે.બીજી બાજુ એસ.ટી.ટીમાં પણ ઘટાડો આવે તો બજાર માટે ખૂબ જ પોઝિટિવ કારણ બનશે. કારણ કે,ભારતીય શેરબજાર અત્યારે મલ્ટીપલ ટેક્સ થી પરેશાન છે. એસ.ટી.ટી , જી.એસ.ટી , એલ.ટી.સી.જી , એસ.ટી.સી.જી ઉપરાંત સેબી ફી, એક્સચેન્જ ચાર્જીસ, ડી.પી ચાર્જીસ અને શેર બ્રોકરની બ્રોકરેજ વગેરે ખર્ચાઓ ટેક્સ ભર્યા પછી રોકાણકારો માટે કંઈ બચે તો ભલે બાકી નુકસાની જ વેઠવાનો વારો આવે છે.
FII ની વેચવાલીના કારણોની વાત કરીએ તો FII એ રોકાણ કર્યું હોય ત્યારે 78 ના ડોલરના ભાવથી 100 શેર ખરીદ્યા હોય તો 100 ડોલરમાં 100 શેર 78 ના ભાવથી કોઈપણ કંપનીમાં રોકાણ કર્યું હોય તેમ માની લઈએ અને આજે એ કંપનીના શેરોના ભાવ 91 રૂપિયા હોય તો FII ને કંઈ જ ફાયદો નથી. કેમકે એ 100 શેરના 9,100 મળે પરંતુ 100 ડોલર લેવા 9,100 જ ખર્ચવા પડે, માટે FII ને રૂપિયા ના અવમૂલ્યન થી મોટું નુકસાન જતું હોય, તે માટે FII શેરો વેચી રહી છે. ટૂંકમાં FII ને વર્ષો સુધી રોકાણ કર્યા પછી પણ નફો મળતો નથી. કારણ કે આ નફો ડોલર ઊંચા ભાવે ખરીદી કરવામાં સેટ ઓફ થઈ જતો હોય છે.
અમુક દેશોમાં ડોલર સામે લોકલ કરન્સીમાં એટલો ઘસારો જોવા મળતો નથી. એટલે એફ.આઈ.આઈ પણ આવા જ દેશોમાં રોકાણ કરવાનું મુનાસીબ માની રહી છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર સંબંધમાં જે રીતે વિલંબ થઈ રહ્યો છે, તે ચિંતા નો વિષય છે. આવનારા બજેટમાં નિકાસકારોને જો રાહત આપવામાં આવે તો તે પોઝિટિવ સાબિત થશે.કોઈ પણ પ્રકારનો ટેક્સ માં વધારો શેર બજાર માટે ઘાતક સાબિત થશે.STT / LTCG / STCG માં રાહત બજારમાં નવા પ્રાણ ફૂંકશે. સરવાળે હવે શેર બજાર માટે ત્રીજા ક્વાટર ના પરિણામો અને આવનારૂ 2026-27 નું બજેટ ખૂબ જ મહત્વનુ સાબિત થશે.


