ઓનલાઇન ભોગ બનતા અટકેલા ધારાસભ્યની વેદના
વિધાનસભામાં અલગથી કાયદો લાવવા યોગેશ પટેલનો નાયબ મુખ્યમંત્રીને પત્ર
વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાના પ્રયાસના મામલે MLAએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બિલાડીના ટોપની જેમ માર્ગો પર વેચાતા સિમકાર્ડ બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી. રોડ અને લારીઓ પર મળતા સિમકાર્ડ બંધ કરાવો અને માત્ર ઓથોરાઇઝ્ડ ડીલર જ સિમકાર્ડ વેચી શકે તેવો કાયદો બનાવવા માગ કરી હતી. આ ઉપરાંત સિમકાર્ડ લેનારની સાથે બે સાક્ષીઓનું પણ ઓળખ પત્ર અને બાયોમેટ્રિક પુરાવા લેવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વિધાનસભામાં આ અંગે અલગથી કાયદો બનાવવા રજૂઆત કરવામાં આવી છે.
28 ડિસેમ્બરના રોજ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે, તે તમને મોકલી છે. તો યોગેશ પટેલે જણાવ્યું હતું કે, તું જે સ્કૂલમાં ભણ્યો, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું એટલે સાયબર માફિયાએ તરત જ ફોન કાપી નાખ્યો હતો.
ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, સવારે 11.27 વાગ્યે મને એક અજાણ્યો ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ મારું નામ પૂછ્યું. મેં મારું નામ જણાવ્યું હતું, ત્યારે એણે કહ્યું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું અને તમારી વિરુદ્ધ એક નોટિસ આવી છે, તે તમને મોકલી છે. એ વ્યક્તિ ગુજરાતીમાં વાત કરતો હતો. મને તરત જ શંકા ગઈ અને મેં વળતો સવાલ પૂછ્યો હતો. મેં તેને કહ્યું હતું કે તું જે સ્કૂલમાં ભણ્યો, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું એટલે એણે તરત જ ફોન કાપી નાખ્યો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના બાદ મેં તરત જ વડોદરા શહેર પોલીસ કમિશનરને ફોન કર્યો હતો અને બધી જ વાત જણાવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સાયબર સેલના ACP સાથે વાત કરી હતી. મને જે નંબર પરથી ફોન આવ્યો હતો એની વિગત સાયબર સેલમાં આપી છે. જે નંબર પરથી કોલ આવ્યો હતો, તેમાં મુંબઈ પોલીસનો લોગો દેખાતો હતો, જેને ગુગલ પર ચેક કરતા લોગો ખોટો હતો.
તેઓએ ઉમેર્યું હતું કે, પછી મેં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી અને એમને ખાસ વિનંતી કરી છે કે, વડોદરા શહેરમાં અને રોડ પર લારીઓમાં સીમકાર્ડ ખુલ્લેઆમ વેચાય છે. આ સીમકાર્ડ કંપનીમાં જ વેચાણ થાય એવું કંઈક કરો. જેમ બેંકમાં એકાઉન્ટ ખોલાવે તેમજ સીમકાર્ડ ખરીદવા માટે 2 સાક્ષી હોવા જોઈએ અને તે પણ કોઈ સ્થાનિક સાક્ષી હોવો જોઈએ. જેથી, કરીને કોઈ બોગસ ડોક્યુમેન્ટ્સથી સીમકાર્ડ ન મેળવી શકે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લારી પરથી સીમકાર્ડ લેવું ઘણું જોખમી છે. આ લોકો આપણું આધારકાર્ડ અને બીજી વિગતો પણ મિસયુઝ કરી શકે છે. લારી વાળા કાર્ડ કાઢે એટલે બધું બોગસ જ હોય ને. સીમકાર્ડ માત્ર કંપનીના ઓથોરાઈઝ ડેપો પરથી જ મળવા જોઈએ. અત્યારે દરરોજ કેટલાય લોકો આ રીતે છેતરાઈ રહ્યા છે તો કડકાઈ આવે. આ તો લોકોને તો રોજ ફ્રોડ ફોન આવતા થઈ ગયા છે.


