પોલીસે લાશ બહાર કાઢી અને PMમાં ખસેડાય : વારંવાર માતા-પિતા સાથે ઝઘડો કરતો હોવાથી ગળુ દબાવી હત્યા નિપજાવ્યાની કબૂલાત
અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. સગા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. ઘટનાને પગલે પોલીસે હાલ આરોપી પિતાની અટકાયત કરી છે.
યુવકની હત્યા થઈ હોવાની શંકાએ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપી વશરામ સેંજળીયાનો પુત્ર હિતેશ દારૂ પીવાની ટેવ વાળો હોય જે દારુ પી અને માતા સાથે વાંરવાર ઝગડો તકરાર કરતો હતો. પુત્રના આવી હરકતોથી કંટાળીને પિતાએ પુત્ર હિતેશનું દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ લાશને પોતાની વાડીના શેઢે દાટી દીધી હતી.
આજે ધારી પોલીસ સ્ટેશનના PI બીકે જાડેજાએ ખુદ ફરિયાદી બની હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યાના પુરાવાનો નાશ કરવા સહીતની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. ધારી પોલીસે આરોપી પિતા વશરામ સેંજલીયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ મામલે અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.
બે મહિના પહેલા અમદાવાદના રાણીપમાં પિતાએ પુત્રની હત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. બેરોજગાર પુત્ર પિતા સાથે અવારનવાર ઝઘડા કરીને હેરાન કરતો હતો, જેના કારણે પિતાએ પુત્રને ધારીયું મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. રાણીપ પોલીસે પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આજથી વીસ દિવસ પહેલા વિદેશ જવાની ઘેલછામાં પુત્રએ પોતાના જ પિતાની હત્યા નિપજાવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં રહેતા યુવકને ઈઝરાયલ નોકરી કરવા જવા માટે પૈસાની જરુરિયાત હતી. જે પૈસાની જરુરિયાત પૂર્ણ કરવા પોતાના જ પિતાનો જીવ લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પિતાની 70 લાખ રૂપિયાની વીમા પોલિસી હોય તે પકવવા માટે પિતરાઈ સાથે મળી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


