ધર્મેન્દ્રસિંહ કોલેજ, વિરાણી હાઇસ્કૂલ, શાસ્ત્રી મેદાન અને ચૌધરી હાઇસ્કૂલના મેદાન બાબતે ચાલતી વિચારણા
વિશ્વના ૫૦ દેશના પતંગબાજો રાજકોટના મહેમાન બની કાંડાનું કૌવત દાખવશે
રાજકોટ શહેરમાં 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાનાર છે. વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાનાર હતો. તેને બદલે હવે મહાપાલિકાના યજમાનપદે પતંગ મહોત્સવ યોજાશે. સામાન્યરીતે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ કે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવ યોજાતો હોય છે, ત્યારે આ વખતે અલગ અલગ ચાર મેદાનોમાંથી કોઇ એક મેદાન નક્કી કરવામાં આવશે. જેમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ સહિત ચાર મેદાનો અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ પતંગ મહોત્સવમાં 50 કરતા વધારે દેશોના પતંગબાજો ભાગ લેશે.
આગામી 11 જાન્યુઆરીએ રાજકોટની મારવાડી કોલેજમાં ગુજરાત રીજીયન વાઇબ્રન્ટ સમિટનું આયોજન થનાર છે. જેના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન મોદી 11 જાન્યુઆરીના બપોરે રાજકોટ આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા એક તરફ વડાપ્રધાનના રોડ શો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે બીજી બાજુ વાઈબ્રન્ટ સમિટના એક દિવસ અગાઉ 10 જાન્યુઆરીએ જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.
આ પતંગ મહોત્સવ રેસકોર્સ મેદાનમાં યોજાનાર હતો. જોકે રેસકોર્સ મેદાન ખાનગી પાર્ટી દ્વારા 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસ માટે અગાઉથી બુક કરી દેવાયું છે. તો 11ના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને રેસકોર્સ મેદાનમાં બસ સહિત ખાનગી વાહનના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની હોય આ કાર્યક્રમના આયોજકોને પણ તારીખ બદલવા માટે કહેવાયું છે. આમ વાઇબ્રન્ટ સમિટની આનુસાંગિક વ્યવસ્થાના ભાગરૂપે રેસકોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજી શકાય તેમ નથી.
આવી જ રીતે, અગાઉ સ્માર્ટસિટીના અટલ સરોવર વિસ્તારમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવાની વિચારણા હતી પણ, ત્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હોય મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે જે રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવ યોજે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઘર્મેન્દ્રસિંહજી કોલેજનાં મેદાનમાં પતંગ મહોત્સવ યોજાય તેવી શક્યતા છે. જો કે મહાપાલિકા દ્વારા વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને ધર્મેન્દ્રસિંહજી કૉલેજના મેદાન ઉપરાંત વિરાણી હાઇસ્કૂલ, શાસ્ત્રી મેદાન, ચૌઘરી હાઇસ્કૂલના મેદાનમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શક્યતા ચકાસવામાં આવી રહી છે.
મનપા એકલા હાથે આયોજન કરાશે
અગાઉ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ એકલા હાથે કરવાનું હતું. પણ, પતંગ મહોત્સવ માટે રેસકોર્સ મેદાન મળે તેમ ન હોય પ્રવાસન વિભાગે હાથ ઉંચા કરી દઈને રાબેતા મુજબ મહાનગરપાલિકા ઉપર જવાબદારી થોપી દીધી છે. આથી હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મહાનગરપાલિકાના યજમાનપદે યોજાશે.
સ્થળ અંગેની વિચારણા શરૂ
મેયર નયના પેઢડીયાનાં જણાવ્યા મુજબ રાજકોટમાં આગામી 10 જાન્યુઆરીનાં રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાનાર છે. જેના માટે સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. આ પતંગ મહોત્સવમાં દેશ અને વિદેશનાં પતંગબાજો ભાગ લેવાના હોવાથી કોઈને પણ અગવડ ન પડે તે રીતે સ્થળ પસંદગી કરવામાં આવશે. અત્યાર સુધીમાં અનેકવિધ રાજયો અને દેશોનાં પતંગ બાજો દ્વારા રજિસ્ટ્રેશન કરાવી લેવાયા છે. અને હજુ આ પ્રક્રિયા ચાલુ છે. બીજીતરફ તંત્ર દ્વારા સ્થળ પસંદ કરવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ અંગેનો નિર્ણય લેવાયા બાદ ટૂંક સમયમાં સ્થળ જાહેર કરાશે.
૧૫૦ પતંગબાજોનું રજીસ્ટ્રેશન
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાત ટુરીઝમના સચિવ સાથે યોજાયેલી વિડિયો કોફરન્સ બાદ પ્રવાસન વિભાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે મહાનગરપાલિકાને જવાબદારી સોંપી દીધી હતી. આ પતંગ મહોત્સવમાં 50 કરતા વધુ દેશોના 150થી વધુ પતંગબાજો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. અને હજુપણ રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે. ત્યારે વધારે પતંગબાજો આ મહોત્સવમાં પોતાની કલા પ્રદર્શિત કરે તેવી શક્યતા હોવાથી હાલમાં આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.


