જમીન દફતરની જિલ્લા કક્ષાની કચેરીઓનું તાલુકા મથકે સરકાર કરશે વિકેન્દ્રીકરણ
સામાન્ય જનતાના કામો ઝડપથી અને પારદર્શકતા લાવવા ઐતિહાસિક નિર્ણય લેવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યના મહેસૂલ વિભાગ અને જમીન દફતર ખાતામાં વહીવટી સરળતા લાવવા અને સામાન્ય જનતાના કામો ઝડપથી થાય તે હેતુથી ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની વર્ગ-૨ની કચેરીઓનું હવે વિકેન્દ્રીકરણ કરીને તેમને તાલુકા કક્ષાએ કાર્યરત કરવામાં આવશે. આ નિર્ણયને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
નવા આદેશ મુજબ, દરેક તાલુકા કક્ષાએ જમીન દફતર ખાતાની વર્ગ-૨ની એક કચેરી કાર્યરત થશે. આ કચેરીમાં રેકોર્ડ રૂમ, વર્ગ-૨ ના અધિકારીની ચેમ્બર, સિનિયર સર્વેયર અને સર્વેયર મળીને અંદાજિત ૧૮થી ૨૦ કર્મચારીઓ માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
આ નવી વ્યવસ્થા માટે જગ્યાની પસંદગી કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે. જગ્યાની પસંદગી માટે અગ્રતા નક્કી કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ હાલ ઉપલબ્ધ જમીન દફતર ખાતાની પોતાની કચેરીમાં તાલુકા સેવા સદન અથવા અન્ય સરકારી કચેરીઓમાં ખાલી જગ્યા., જો સરકારી જગ્યા ઉપલબ્ધ ન હોય તો જ ભાડાની જગ્યાનો વિકલ્પ વિચારવો. કલેક્ટરોએ આગામી ૭ દિવસમાં આ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી સેટલમેન્ટ કમિશનરની કચેરીને અહેવાલ સુપરત કરવાનો રહેશે.
કઈ કચેરીઓ અને અધિકારીઓ તાલુકા કક્ષાએ જશે?
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક બીજલ શાહ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર નીચે મુજબની કામગીરી અને અધિકારીઓ હવે તાલુકા મથકે બેસશે:
– D.I.L.R. (જિલ્લા નિરીક્ષક જમીન દફતર)
– સીટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ
– હક્કચોકસી અધિકારી
– સર્વે મામલતદાર
– મદદનીશ એકત્રીકરણ અધિકારી
જનતાને થનાર ફાયદાઓ
અત્યાર સુધી જમીન માપણી, સીટી સર્વે કે હક્કચોકસી જેવા કામો માટે ગ્રામીણ જનતાએ જિલ્લા મથકે ધક્કા ખાવા પડતા હતા. હવે આ કચેરીઓ તાલુકા કક્ષાએ આવવાથી લોકોના સમય અને નાણાંની બચત થશે, જમીન સંબંધિત વિવાદો અને માપણીની કામગીરીમાં ઝડપ આવશે, સ્થાનિક સ્તરે જ અધિકારીઓની ઉપલબ્ધતા વધશે.


