કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતી પ્રક્રિયામાં RMCમાં ચાલતું કૌભાંડ
વિજિલન્સ તપાસના પુરાવાઓ સાથે સફાઈ કામદાર: યુનિયન પ્રમુખ પારસ બેડીયાના આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો સામે આવતા રાજકીય અને વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ વિજિલન્સ તપાસના સચોટ પુરાવાઓ સાથે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નિયમ મુજબ માત્ર અનફિટ જાહેર થયેલા કાયમી સફાઈ કામદારોના વારસદારોને જ સરકારી નોકરી આપવાની જોગવાઈ છે, પરંતુ અહીં ખાનગી હોસ્પિટલો સાથે ભાજપના નેતાઓની મિલીભગતથી બોગસ અનફિટ સર્ટિફિકેટ કાઢી આપીને ગેરરીતિ આચરવામાં આવી છે. વર્ષ 2021થી સતત ચાલી રહેલા આ કૌભાંડને માત્ર તપાસ કમિટીની રચનાના નામે અત્યાર સુધી દબાવી રાખવામાં આવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં RMCના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણી અને પ્રજેશ સોલંકીની સીધી સંડોવણી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાજપના નેતા અને સફાઈ કામદાર નિગમના પૂર્વ ચેરમેન મુકેશ પરમાર, શ્રાવણ, દિપક વાઘેલા તેમજ SWM વિભાગના કાયમી પટ્ટાવાળા ભગીરથ સહિતના લોકો આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો હોવાનું સામે આવ્યું છે. આ સિન્ડિકેટ દ્વારા સત્તા અને પદનો દુરુપયોગ કરીને ખોટા દસ્તાવેજોના આધારે લાયકાત વગરના લોકોને સેટલ કરવાનું મોટું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું.
કૌભાંડની ગંભીરતા એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે વર્ષ 2024માં સિવિલ હોસ્પિટલ દ્વારા તપાસ બાદ તમામ સફાઈ કામદારોને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવ્યા હતા. તેમ છતાં, RMCના પોતાના જ આરોગ્ય કેન્દ્રો દ્વારા આ તમામ કામદારોને શંકાસ્પદ રીતે અનફિટ બતાવી દેવામાં આવ્યા હતા. આ વિરોધાભાસી રિપોર્ટના આધારે જ જૂન 2026માં એકસાથે 127 સફાઈ કામદારોના રાજીનામા પણ મંજૂર કરી દેવામાં આવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયાને નેવે મૂકીને આચરવામાં આવેલા આ કરોડોના આક્ષેપ ધરાવતા કૌભાંડ સામે હવે તટસ્થ તપાસની માંગ બુલંદ બની છે.


