ધારાસભ્ય ઉદય કાનગડ-વડીલ વંદના સમિતિ દ્વારા આજે વડીલ વંદના કાર્યક્રમ
પૂર્વ ધારાસભ્ય ટપુભાઇ લીંબાસીયાનું વિશેષ સન્માન થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજની અમૂલ્ય ધરોહર સમાન વડીલો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારની ભાવનાને ઉજાગર કરવા માટે આવતીકાલે ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલીયા તથા વડીલ વંદના સમિતિ ધ્વારા તા.૬ જાન્યુઆરીના સાંજે ૫:૦૦ કલાકે વિધાનસભા-૬૮માં અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ, સેટેલાઈટ ચોક, પેડક રોડ ખાતે ‘વડીલ વંદના’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વડીલોના જીવનાનુભવને સન્માનિત કરી તેમના આશીર્વાદને યુવા પેઢી માટે પ્રેરણારૂપ બનાવવાનો છે.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયાના જાહેરજીવનના ૫૦ વર્ષ પૂર્ણ થવા તથા તેમના જન્મદિવસના પાવન અવસરે વિશેષ ઋણસ્વીકાર સાથે સન્માન કરવામાં આવશે. ટપુભાઈ લીંબાશીયાએ પાંચ દાયકાથી વધુ સમય સુધી સમાજ સેવા, જનહિત અને રાષ્ટ્રનિર્માણના ક્ષેત્રે આપેલ અવિરત યોગદાન બદલ સમાજ તરફથી આ સન્માન આપવામાં આવી રહયું છે.
આ પ્રસંગે ટપુભાઈ લીંબાશીયા સાથે ભારતીય જનતા પાર્ટીના, સમાજના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત વડીલશ્રીઓ માધુભાઈ બાબબરીયા, છગનભાઈ રાબડીયા, અજીતસિંહ ચૌહાણ, છગનભાઈ પાનસુરીયા, ખીમજીભાઈ મકવાણા, વિભાભાઈ જોગરાણા, વલ્લભભાઈ દુધાત્રા, છગનભાઈ ફુલવાળા, શામજીભાઈ ચાવડા, ગોરધનભાઈ કાપડીયા, નરશીભાઈ ટોપીયા, કાનજીભાઈ ચારોલીયા, અમરશીભાઈ મકવાણા, મનસુખભાઈ ગજેરા, કરણાભાઈ માલધારી, બાબુભાઈ વેકરીયા, ધરમશીભાઈ સાવકીયા, બી.સી. પટેલ, જગુભાઈ સખીયા, બચુભાઈ ભંડેરી, ધરમશીભાઈ નાથાણી, ઝીણાભાઈ ચાવડા, લાખાભાઈ બગડાનું પણ આદરપૂર્વક સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ પરશોતમભાઈ રૂપાલા ખાસ હાજરી આપશે તેમજ વડીલોનું મહત્વ, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપશે.આ તકે શહેરના મેયર નયનાબેન પેઢડીયા અને શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે પણ ઉપસ્થિત રહેશે.


