મારવાડી યુનિવર્સિટીમાં એકઝીબિશન હોલ, સેમિનાર અને મુખ્ય કાર્યક્રમ સ્થળની તૈયારીઓની સમીક્ષા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આગામી ૧૧-૧૨ જાન્યુઆરીના રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં મારવાડી કોલેજ ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજાશે. આ કોન્ફરન્સની સ્થાનિક તંત્ર અને રાજય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતિમ તબક્કામાં છે. ગઇકાલે નાયબ મુખ્યમંત્રી સાથે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ અધિક મુખ્ય સચિવ અને ઉચ્ચ અધિકારીઓએ મારવાડી કોલેજ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી.
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાવા જઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ આજે મારવાડી યુનિવર્સિટી ખાતે કોન્ફરન્સ સ્થળની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ એક્ઝિબિશન હૉલ, મુખ્ય કાર્યક્રમ સ્થળ તેમજ સેમિનાર હૉલની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી તથા જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
મારવાડી કોલેજ ખાતે કલેકટર સહિતના વિવિધ તંત્રએ મોરચો સંભાળી લીધો છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓની વિવિધ સમિતિ દ્વારા મારવાડી કોલેજમાં તૈયાર થયેલા ડોમ અને સેમિનાર હોલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન આવતાં હોવાથી પોલીસ વિભાગ પણ સતર્ક બન્યો છે. તેમજ કલેકટર તંત્ર દ્વારા હાલ ફરજ પરના અધિકારીઓને જ કાર્યક્રમ સ્થળ જવાની પરવાનગી આપવામાં આવી છે.


