માતાજીના માંડવા પર થયેલા પરિચય બાદ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બે વખત શારીરિક શોષણ
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટા પંથકમાં 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના ગંભીર બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી છે. આરોપીએ વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સગીરાનું વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે. બનાવ અંગે ઉપલેટા પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
બનાવ અંગે સગીરાના પિતાએ આપેલી ફરિયાદ મુજબ, ગત તારીખ 4ની રાતે તેમની પુત્રી અચાનક ઘરે હાજર ન હતી. પરિવારજનોએ પાડોશ અને સગા-સંબંધીને ત્યાં તપાસ કરી છતાં કોઈ અતાપતો લાગ્યો ન હતો. બાદમાં બીજા દિવસે વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યે સગીરા ઘરે પરત આવી હતી.
પરિવારજનોએ પૂછપરછ કરતાં સગીરાએ જણાવ્યું હતું કે, આશરે આઠ માસ પૂર્વે ખાખીજાળિયા ગામે યોજાયેલા માતાજીના માંડવે દરમિયાન ચિરાગ હરદાસ ચાવડા નામના યુવક સાથે તેનો પરિચય થયો હતો. પરિચય બાદ સંપર્ક વધતા આરોપીએ લગ્ન કરવાની વાતો કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
ફરિયાદ મુજબ, તારીખ 4ની રાત્રે આરોપીએ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી વાડલા ગામની સીમમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વહેલી સવારે સગીરાને ઘર નજીક ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો. વધુમાં, અગાઉ પણ આરોપી દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની કેફિયત સામે આવતાં પરિવારજનોએ હિંમત એકઠી કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે ઉપલેટા પોલીસ મથક દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મથકના પીઆઈ બી.આર. પટેલની આગેવાની હેઠળની ટીમે દુષ્કર્મ તથા પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ચિરાગ ચાવડાની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા સગીરાની તબીબી તપાસ અને અન્ય કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.


