સપ્તસુર અને સપ્તદિનની સંગીત સાધનાથી સર્જાયેલ સપ્ત સંગીત કલા મહોત્સવની સમાપ્તિ
પ્રથમ વખત યશવંત વૈષ્ણવના તબલા એકાંકી પ્રદર્શનનું નવું અધ્યાય ઉમેરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ:
સપ્તસંગીતિ કલામહોત્સવના સાતમાં દિવસે પટિયાલા ઘરાનાની સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી. કૌશિકી ચક્રવર્તીજીના શાસ્ત્રીય કંઠ્ય સંગીતે સમગ્ર સભાખંડને ભાવરસમાં તરબોળ કરી દીધો. તેમના સુમધુર સ્વરોમાં પ્રગટતી રાગોની શિસ્તબદ્ધતા, તાનની નિખાર અને ભાવની ઊંડાણ શ્રોતાઓના હૃદયને સ્પર્શી ગઈ. જ્યારે સપ્તસંગીતિના સફરમાં યશવંત વૈષ્ણવના તબલા એકાકી પ્રસ્તુતી એ નવો અધ્યાય ઉમેર્યો હતો કાર્યક્રમની શરુઆત સાતમા દિવસના પેટ્રન જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લી. ના ચેરમેન અને નિઓરાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટર પરાક્રમસિંહ જાડેજા અને જયોતિ પરિવારના સભ્યોના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.
સભાના પ્રથમ ચરણની શરુઆત યશવંત વૈષ્ણવની તબલાબાદનની સ્વતંત્ર પ્રસ્તુતિથી થઈ. તેમના તબલાવાદનની શરૂઆત સંયમિત વિલંબિત લયમાં થઈ, જ્યાં બોલોની સ્પષ્ટતા અને નાદની શુદ્ધતા સ્પષ્ટ અનુભવાઈ હતી. પેશકાર, કાયદા અને રેલાની ગૂંથણીમાં તેમણે ઘરાનેદારી શૈલી સાથે પોતાની વ્યક્તિગત અભિવ્યક્તિ ઉમેરતા તાલને જીવંત સ્વરૂપ આપ્યું. ચંચળ તિહાઈઓ, ગંભીર ચક્રધાર અને લયકારીઓએ શ્રોતાઓના હૃદયમાં તાલનો સ્પંદન જગાવ્યો. આ સોલો પ્રસ્તુતિને હાર્મોનિયમમાં કલ્પતરુ ઠાકરેએ સમજદાર સંગત આપી. તેમની સ્વરરચનાએ તબલાના બોલોને મધુર આધાર આપ્યો હતો, જેથી સમગ્ર પ્રસ્તુતિમાં સંતુલન અને સૌંદર્ય વધુ ઉજાગર બન્યું હતું. હાર્મોનિયમ અને તબલાની આ સંવાદાત્મક યાત્રાએ મંચ પર શાસ્ત્રીય સંગીતની પરંપરા અને નવીનતાનું સુંદર સંમિશ્રણ રજૂ કર્યું. જ્યાં તાલે સ્વરનો સાથ પામી શ્રોતાઓને શાસ્ત્રીય સંગીતની ઊંડાઈ અને સૌંદર્યનો અનુભવો કરાવ્યો હતો.
સપ્તસંગીતિના સફરના સાતમા દિવસના બીજા સત્રમાં સુશ્રી. કૌશિકી ચક્રવર્તીના કંઠે કાર્યક્રમની શરૂઆત જ એક આધ્યાત્મિક અનુભૂતિ જેવી હતી. મંચ પર કૌશિકીજીની ઉપસ્થિતિમાં જ શાંતિ, એકાગ્રતા અને શાસ્ત્રીયતાનો સંદેશ પ્રસરી ગયો હતો. પ્રથમ પ્રસ્તુતીમાં કાફી થાટનો રાગ જોગ પ્રસ્તુત કર્યો, તેમના કંઠમાંથી નીકળતી સ્વરોની પ્રથમ લહેરે જ શ્રોતાઓને અભુભુત કરી દીધા હતા. રાગની પસંદગી, આલાપની ગાઢતા અને વિસ્તૃતતા, તથા ધીમે ધીમે વિકસતો ભાવ, આ બધું તેમની પરિપક્વ કલાત્મક દૃષ્ટિનું સાક્ષી હતું. કૌશિકી ચક્રવર્તીના ગાયનમાં પટિયાલા ઘરાનાની તાનકારી, બોલબાંટ અને લયાત્મક ચપળતા, આંતરિક સંવેદનશીલતા અને ભાવસભર અભિવ્યક્તિ છલકાતી હતી. વિલંબિત ખ્યાલમાં તેમની સ્વરવિસ્તારની શાંતિ અને ગંભીરતા શ્રોતાઓને ધ્યાનસ્થ અવસ્થામાં લઈ ગયા હતા, જ્યારે મધ્યલય અને દ્રુત ખ્યાલમાં તેમની તાનોએ ચમત્કૃતિ સર્જી. દરેક તાનમાં સ્પષ્ટતા, શ્વાસ નિયંત્રણ અને સ્વરની શુદ્ધતા સ્પષ્ટ અનુભવાતી હતી. ત્યારબાદ શ્રોતાઓની ફરમાઈશ ઉપર રાગ બિહાગ ચિંતા ના કર રે બંદીશ મધ્યલયમાં અને બ તો રટ લાગી દ્રુત લય તીનતાલમાં પ્રસ્તુત કરી હતી અને શ્રોતાઓને તીનતાલ બોલ સહિત તાલી –ખાલી માત્રામાં પ્રસ્તુત કરતા શીખવ્યો ત્યારે કોન્સર્ટ જાણે ક્લાસરુમ બની હોય તેવું પ્રતિત થતું હતું. રાગ પહાડીમાં વિવિધ રચનાઓ સજનવા કબ આવોગે, રંગી સારી ગુલાબી ચુનરીયા અને તુમકો આને મેં તુમકો બુલાને મેં જેવી લોકપ્રિય અને પ્રચલિત રચનાઓ ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમના અંતે સર્વે કલાકારોનું શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમની અભુતપૂર્વ સફળતા માટે ૧૦૦ થી વધુ કર્મઠ વોલિયેન્ટર્સ અને કોર કમિટીના સભ્યો દ્વારા નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેક્ટર્સના માર્ગદર્શનમાં ખડેપગે દિવસ-રાત કામગીરી કરી હતી. જેમાં નિઓ ડાયરેક્ટર્સ, કોર કમિટી, ગેસ્ટ સિટીંગ મેનેજમેન્ટ કમિટી, ગેઇટ એન્ટ્રી મેનેજમેન્ટ કમિટી, સ્ટેજ મેનેજમેન્ટ કમિટી, આર્ટીસ્ટ હોસ્પિટાલીટી એન્ડ કોર્ડિનેશન કમિટી, રીફ્રેશમેન્ટ કમિટી, મંડપ-ડેકોરેશન-લાઈટીંગ કમિટી, સાઉન્ડ એન્ડ સ્ટેઇજ વિઝયુલ કમિટી, મિડિયા કમીટી, તેમજ ડેટાબેઇઝ-પાસીસ એન્ડ રજીસ્ટ્રેશન કમિટી જેવી વિવિધ ટીમો દ્વારા ૧૦ થી વધુ નામાંકીત એજન્સીઓ સાથે સાયુજય સાધી સપ્ત સંગીતિ ૨૦૨૬ ને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી, જે દર વર્ષે ઉતરોતર નવા-નવા આયામો સર કરી રહી છે.


