પેરોલ ફર્લો સ્કવોડે ગાંધીનગરથી ઝડપી લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
કોઠારીયા રોડ વિસ્તારમાં સોપારીના ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરનાર વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. સોપારી ખરીદી તેની રૂ.1.08 કરોડથી વધુની રકમ ચૂકવ્યા વિના ઠગાઈ આચરવાના કેસમાં પેરોલ-ફર્લો સ્કોડની ટીમે ગાંધીનગરમાંથી આરોપી વિનોદ કાસુન્દ્રાને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા રોડ પર રહેતા સોપારીના વેપારી મિતેશભાઈ સાયાણી દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, મન્સૂર અરબિયાની (અમદાવાદ)એ પોતાને સોપારીનો દલાલ બતાવી અન્ય સાગરીતોને મોટા વેપારીઓ તરીકે ઓળખાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2023 દરમિયાન કટકે-કટકે કુલ 27,910 કિલો સોપારી મેળવી રૂ.1,08,28,004ની રકમ ચૂકવ્યા વિના આરોપીઓએ ઠગાઈ આચરી હતી.
ફરિયાદમાં મન્સૂર અરબિયાની સાથે વિનોદ કાસુન્દ્રા (જામનગર), જમીલ મંસુરી (વટવા, અમદાવાદ), અમજદ મેવ (વટવા, અમદાવાદ) તથા બદરૂદ્દીન હફિફઉલ્લા ઉર્ફે હાફિજી અમજદને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. બનાવને પગલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટ તથા પીએસઆઈ જે.જી. તેરૈયાની ટીમ આરોપીઓની શોધખોળમાં લાગી હતી.
હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે વિનોદ છગન કાસુન્દ્રા (મૂળ રહે. તુલસી પાર્ક, ધ્રોલ, જામનગર; હાલ રહે. ઘ રોડ, ગાંધીનગર)ને ગાંધીનગરમાંથી ઝડપી ભક્તિનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે હવે અન્ય ફરાર આરોપીઓ સુધી પહોંચવા તપાસનો દોર વધુ તેજ કર્યો છે.


