મનપાના આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક ડાયાલિસીસની સુવિધાઓથી કિડનીના દર્દીઓને આર્થિક રાહત
ચાર મહિનામાં ૧૮૦થી વધારે દર્દીઓનું ડાયાલિસીસ : ૮૦૦૦ સુધીનો ખર્ચ બચ્યો : ૮ અત્યાધુનિક મશીનથી થતી દર્દીઓની સારવાર : ચાર વિસ્તારમાં કરાયેલી સુવિધા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વસતા કિડનીની બીમારીથી પીડાતા મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલગ-અલગ 4 વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર હવે ડાયાલિસિસની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. છેલ્લા 4 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 180 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે અને અંદાજે રૂ. 54,000થી વધુની બચત કરી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં જે ડાયાલિસિસ માટે દર્દીઓને મોટો આર્થિક બોજ સહન કરવો પડે છે, તે ગુણવત્તાયુક્ત સારવાર હવે પાલિકાના કેન્દ્રો પર નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે.
આરોગ્ય અધિકારી ડો જયેશ વાંકાણીએ જણાવ્યું કે, મહાનગરપાલિકાના કુલ 4 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ સુવિધા કાર્યરત કરવામાં આવી છે. જેમાં નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર અને નાનામવા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આ ચારેય કેન્દ્રો પર અમદાવાદની પ્રખ્યાત કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC)ના સહયોગથી ડાયાલિસિસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર 2 મશીન મળીને કુલ 8 અત્યાધુનિક મશીનો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં મહાનગરપાલિકાએ મશીનરી અને RO પ્લાન્ટ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે, જ્યારે ટેકનિકલ અને મેડિકલ સ્ટાફનો સપોર્ટ IKDRC સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં એક ડાયાલિસિસ કરાવવાનો ખર્ચ રૂ. 2500થી રૂ. 5000 સુધીનો થતો હોય છે. જો તેમાં જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો ખર્ચ ઉમેરવામાં આવે તો આ આંકડો રૂ. 7000થી રૂ. 8000 સુધી પહોંચી શકે છે. કિડનીના દર્દીઓને અઠવાડિયામાં 2થી 3 વખત ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે, જે મધ્યમ વર્ગના પરિવાર માટે આર્થિક રીતે કમરતોડ સાબિત થાય છે. રાજકોટ મહાપાલિકાના આ કેન્દ્રો પર ડાયાલિસિસની સાથે સાથે આવશ્યક દવાઓ પણ મફતમાં આપવામાં આવે છે, જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. 4 મહિનામાં 180 દર્દીઓને આશરે રૂ. 54,000થી વધુનો સીધો આર્થિક લાભ મળ્યો છે.
ડાયાલિસિસની પ્રક્રિયા સમય માંગી લે તેવી હોય છે. એક ડાયાલિસિસ સાયકલ પૂર્ણ કરવામાં ઓછામાં ઓછી 4થી 5 કલાકનો સમય લાગે છે. આથી, દરેક મશીન પર બે શિફ્ટમાં દિવસ દરમિયાન કુલ 2 દર્દીઓની સારવાર શક્ય બને છે. આરોગ્ય કેન્દ્રોનો સમય સવારે 9થી 1 અને સાંજે 4થી 6 વાગ્યા સુધીનો રહે છે. ત્યારે લાભાર્થીઓએ 9થી 6ના સમય દરમિયાન એક દિવસ અગાઉ એડવાન્સમાં જાણ કરવાની રહે છે, ત્યારબાદ અપોઈન્ટમેન્ટ સિસ્ટમ દ્વારા તેમનો સમય નિર્ધારિત કરવામાં આવે છે.
ચેપી રોગોના ફેલાવાને રોકવા માટે તંત્ર દ્વારા ચોક્કસ નિયમો રાખવામાં આવ્યા છે. ડાયાલિસિસ દરમિયાન દર્દીના લોહીનું શુદ્ધિકરણ થતું હોવાથી, ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા વધુ હોય છે. આથી, જે દર્દીનો હિપેટાઈટીસ સી (Hepatitis C) નો રિપોર્ટ નેગેટિવ હોય તેવા જ દર્દીઓને અહીં પ્રવેશ આપવામાં આવે છે. બ્લડમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન હોવું જોઈએ તે અનિવાર્ય છે. જે દર્દીઓ હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય અને જો તેમનો રિપોર્ટ નેગેટિવ હોય, તો તેઓ પણ આ સરકારી સેન્ટર પર શિફ્ટ થઈને મફત સેવાનો લાભ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પણ મનપાની આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવી શકે છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે મોટાભાગના દર્દીઓ PM-JAY કાર્ડ અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં જતા હોય છે, પરંતુ પાલિકાના આ કેન્દ્રો પર પણ નિષ્ણાંત સંસ્થા દ્વારા જ સારવાર અપાય છે, તેથી વધુને વધુ લોકોએ આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવો જોઈએ.


