ઉપલેટાના મૂરખડા ગામની બેલડીએ ખેડૂતના દસ્તાવેજ પરથી પેઢી ઊભી કરી કરોડોના બોગસ વ્યવહાર કર્યા
કુતિયાણાના ખેડૂતને GST નોટિસ મળતાં કૌભાંડ ખુલ્લું પડ્યું; ગોહેલ બંધુ સહિત ત્રણ સામે છેતરપિંડીનો ગુનો
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટા તાલુકાના મૂરખડા ગામના બે ભાઈઓએ ખેડૂતને વિશ્વાસમાં લઈ તેના દસ્તાવેજોના આધારે પેઢી ઊભી કરી કરોડો રૂપિયાના બોગસ વ્યવહાર કર્યા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે ખેડૂતને GST વિભાગ તરફથી ટેક્સ ભરવાની નોટિસ મળી હતી. ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે કુતિયાણા તાલુકાના જુના જકાતનાકા વિસ્તારમાં રહેતા ખેડૂત મેરૂભાઈ માલદેભાઈ ભુતીયા (ઉ.વ.51)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપી તરીકે મૂરખડા ગામના જયદીપ વેલજી ગોહેલ, નિકુંજ વેલજી ગોહેલ અને નિખિલ વેકરીયાના નામ આપવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, વર્ષ 2019માં પુષ્કર ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યવસાયિક ઓળખ થયા બાદ આરોપીઓએ વધુ નફાની લાલચ આપી પેઢી શરૂ કરવાની સલાહ આપી હતી.
ફરીયાદીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને જીએસટી, હિસાબ-કિતાબ કે સરકારી પ્રક્રિયાની જાણ નથી. ત્યારે આરોપીઓએ તમામ કામ પોતે સંભાળી લેવાનું કહી ખેડૂતના આધાર, પાન સહિતના દસ્તાવેજોથી “જય વચ્છરાજ ટ્રેડિંગ” નામે પેઢી ઊભી કરી હતી. જીએસટી લાયસન્સ, મોબાઈલ નંબર, ઈ-મેલ અને બેંક ખાતા સુધીમાં આરોપીઓએ પોતાનું નિયંત્રણ રાખ્યું હતું.
આ પેઢીના નામે ખોટી સપ્લાય અને ખરીદી દર્શાવી કરોડોના વ્યવહાર કરાયા હતા. વાઘેલા એન્ટરપ્રાઇઝ, હીર એન્ટરપ્રાઇઝ અને પ્રિયા એન્ટરપ્રાઇઝ જેવી બોગસ પેઢીઓ સાથે બિલિંગ બતાવી વ્યાજ-પેનલ્ટી સહિત રૂ.16 લાખ જેટલો ટેક્સ ભરવાની નોટિસ ખેડૂતને મળી હતી. ત્યારબાદ આરોપીઓએ ટેક્સ હું ભરું છું કહી સમય માંગ્યો, પરંતુ અંતે જવાબદારી ખેડૂત પર ઠેલી દીધી હતી.
ફરીયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીઓએ કોરા ચેક પર સહી લેવાઈ તેનો દુરુપયોગ કર્યો, RTGS સ્લીપમાં ખોટી સહી કરી નાણાં ઉપાડી લીધા અને બાદમાં ચેક રિટર્નનો ખોટો કેસ પણ દાખલ કરી દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતના ખાતામાં જમા થયેલા લાખો રૂપિયા આરોપીઓ દ્વારા ઉપાડી લેવાયા હોવાનો પણ આરોપ છે.
આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ઉપલેટા પોલીસએ ત્રણેય આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને દસ્તાવેજોના દુરુપયોગની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


